અમરાવતી/હૈદરાબાદ:છેલ્લા બે દિવસથી આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. રાજધાની હૈદરાબાદ સહિત તેલંગાણાના તમામ જિલ્લાઓમાં મુશળધાર વરસાદ થયો હતો. હવામાન વિભાગે અદિલાબાદ, નિર્મલ, નિઝામાબાદ, કામરેડ્ડી, મહબૂબનગર, નાગરકુર્નૂલ, ખમ્મમ, નારાયણપેટ, જોગુલંબા ગડવાલ, મહબૂબાબાદ અને સૂર્યપેટ જિલ્લામાં 2 સપ્ટેમ્બર સુધી વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. તેને જોતા વહીવટીતંત્રે આજે સોમવારે (02 સપ્ટેમ્બર 2024) રાજ્યની અસંખ્ય શાળાઓમાં રજા જાહેર કરી છે.
ભારે વરસાદને કારણે આંધ્રપ્રદેશના વિજયવાડાના વિવિધ વિસ્તારોમાંં પૂરની ગંભીર સ્થિતિ યથાવત છે
આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન એન.ચંદ્રાબાબુ નાયડુએ પુર અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યુ
9 લોકોએ જીવ ગુમાવ્યો: તેલંગાણામાં ભારે વરસાદ અને પૂરના કારણે અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા છે. મહેસૂલ મંત્રી પી શ્રીનિવાસ રેડ્ડીએ આ જાણકારી આપી. તેમણે જણાવ્યું કે એકલા વારંગલ જિલ્લામાં જ પાંચ લોકોના મોત થયા છે. જિલ્લાના સિંગરેની મંડલમાં આવેલા પૂરમાં પિતા-પુત્રી કારમાં વહી ગયા હતા. મંડપલ્લીમાં દિવાલ ધરાશાયી થતાં એક વૃદ્ધ મહિલાનું મોત થયું હતું. તડવળ મંડળમાં પૂરમાં એક વ્યક્તિ વહી ગયો હતો. બીજી તરફ ખમ્મમ જિલ્લામાં પૂરમાં બે લોકો વહી ગયા હતા. સૂર્યપેટ જિલ્લાના કોડ્ડા ખાતે પૂરના પાણીમાંથી બે મૃતદેહ મળી આવ્યા હતા.
CM રેવન્ત રેડ્ડીએ સમીક્ષા બેઠક યોજી:ભારે વરસાદને ધ્યાનમાં રાખીને તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીએ રવિવારે મંત્રીઓ અને અધિકારીઓ સાથે તાકીદની સમીક્ષા બેઠક યોજી હતી. બેઠક દરમિયાન સીએમ રેડ્ડીએ પૂર પ્રભાવિત વિસ્તારોમાં રાહત કાર્યની માહિતી લીધી. બેઠક દરમિયાન, મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીએ સંબંધિત અધિકારીઓને આગામી 24 કલાક સુધી સતર્ક રહેવા જણાવ્યું હતું. CMએ સોમવારે શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવાનો આદેશ આપ્યો છે. તેમણે કલેક્ટર, એસપી, મહેસૂલ, સિંચાઈ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેવા અને પરિસ્થિતિની સમીક્ષા કરવાનો આદેશ પણ આપ્યો હતો.