ઉજ્જૈન: વિશ્વ પ્રસિદ્ધ મહાકાલ મંદિરમાં સોમવારે હોળીના દિવસે એક મોટી દુર્ઘટના ઘટી હતી. ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં અચાનક આગ લાગી હતી. આગમાં લગભગ 13 જેટલા પૂજારીઓ દાઝી ગયા હતા. આગનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે. તમામ ઈજાગ્રસ્તોને જિલ્લા હોસ્પિટલના બર્ન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત ખતરાની બહાર હોય તેવુ જાણવા મળ્યુ છે. સદ્દનસીબે આગ પર સમયસર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો, નહીંતર મોટી દુર્ઘટના સર્જાઈ હોત. તો બીજી બાજુ અહીં કલેક્ટર નીરજ કુમાર સિંહે સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.
આરતીની થાળી પર રંગ પડતા લાગી આગ: પ્રાપ્ત માહિતી અનુસાર, સોમવારે સવારે મહાકાલ મંદિરમાં હોળીના તહેવારની ઉજવણી ચાલી રહી હતી. સેંકડો લોકો એકબીજા પર રંગો લગાવી રહ્યા હતા. બાબા મહાકાલની ભસ્મ આરતી દરમિયાન આરતીની થાળી પર રંગ પડ્યો અને પછી અચાનક જ આગ ફાટી નીકળી, જેના કારણે મંદિરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. ગર્ભગૃહની અંદર હાજર પૂજારી આગમાં દાઝી ગયા હતા. તેમને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.