નવી દિલ્હીઃદેશમાં આવતા વર્ષથી વસ્તી ગણતરી શરૂ થશે, જેનો ડેટા વર્ષ 2026માં જાહેર થઈ શકે છે. આ વસ્તી ગણતરી એવા સમયે હાથ ધરવામાં આવી રહી છે જ્યારે ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો છે. વસ્તીના મામલામાં ભારતે ચીનને પહેલા જ પાછળ છોડી દીધું છે.
આ વસ્તી ગણતરીમાં પણ સંપ્રદાયને લગતા પ્રશ્નો પૂછાય તેવી શક્યતાઓ છે. એવું માનવામાં આવે છે કે વિપક્ષી પાર્ટીઓ દ્વારા જાતિ ગણતરીની માગ વચ્ચે, સરકાર લોકો પાસેથી તેમના સમુદાય સાથે સંબંધિત માહિતી પણ એકત્રિત કરી શકે છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી વસ્તી ગણતરીમાં લોકોને માત્ર તેમના ધર્મ અને વર્ગ વિશે જ પૂછવામાં આવતું હતું. આ ઉપરાંત એસસી, એસટી અને જનરલ કેટેગરીની ગણતરી કરવામાં આવી હતી.
જો કે આ વખતે એ પણ સવાલ થઈ શકે છે કે લોકો કયા સંપ્રદાયને અનુસરે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ ઈસ્લામમાં વિશ્વાસ રાખે છે તો તેણે એ પણ જણાવવું પડશે કે તે શિયા છે કે સુન્ની. તેવી જ રીતે, જાતિઓમાં બ્રાહ્મણો, ક્ષત્રિયો અને વૈશ્ય જેવા જૂથોનો સમાવેશ થાય છે. હાલમાં કેન્દ્ર સરકાર ધર્મ અને વર્ગ તેમજ સંપ્રદાયના આધારે વસ્તી ગણતરીની માંગ પર વિચારણા કરી રહી છે.
ડેટા ડિજિટલ રીતે એકત્રિત કરવામાં આવશે
જાણકારી અનુસાર સરકાર વસ્તી ગણતરી માટે ડિજિટલ પદ્ધતિનો ઉપયોગ કરી શકે છે. જો આમ થશે તો દેશમાં પહેલીવાર એવું થશે કે વસ્તીગણતરીનો ડેટા ડિજિટલ રીતે એકત્રિત કરવામાં આવશે. આ માટે એક ખાસ પોર્ટલ બનાવવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, અનેક રાજકીય પક્ષો અને સામાજિક સંગઠનોએ વસ્તી ગણતરી સંપ્રદાયના આધારે કરાવવાની માગણી કરી હતી. એવું માનવામાં આવે છે કે સંપ્રદાયના ડેટા વધુ સાચી નીતિઓ બનાવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. તમને જણાવી દઈએ કે વસ્તી ગણતરીમાં સંપ્રદાયનો અર્થ એ થાય છે કે વ્યક્તિ કયા ધાર્મિક અને સાંસ્કૃતિક સમૂહનો છે.
ભારતમાં કોની કેટલી વસ્તી છે?