નવી દિલ્હી: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા 18 જૂનના રોજ લેવાયેલી UGC-NET પરીક્ષા રદ થયા બાદ વિદ્યાર્થીઓએ વિરોધ શરૂ કર્યો છે. પરીક્ષામાં ગેરરીતિને લઈને વિદ્યાર્થીઓ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશના લખનૌમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓએ માંગ કરી છે કે NTA પણ રદ થવી જોઈએ.
તે જ સમયે, દિલ્હીમાં શાસ્ત્રી ભવન પાસે, AISA (ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિએશન) ના સભ્યોએ NEET અને UGC-NET પરીક્ષાઓમાં ગેરરીતિઓ સામે વિરોધ કર્યો. યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના ઘરની બહાર પ્રદર્શન કર્યું, ત્યારબાદ દિલ્હી પોલીસે ઘણા કાર્યકરોને કસ્ટડીમાં લીધા.
દરમિયાન, શિક્ષણ મંત્રાલયના સંયુક્ત સચિવ (વહીવટ) સૈયદ એકરામ રિઝવી શાસ્ત્રી ભવન બહાર વિરોધ કરી રહેલા AISA સભ્યોને મળ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને કહ્યું કે તમે તમારું મેમોરેન્ડમ આપી શકો છો, હું કેન્દ્રીય શિક્ષણ મંત્રીને આપીશ. અમે તમારી ફરિયાદોના નિરાકરણ માટે પ્રતિબદ્ધ છીએ. જો તમે ઈચ્છો તો એક નાનું પ્રતિનિધિમંડળ અમારા અધિકારીઓને મળી શકે છે અને તેમના વિચારો રજૂ કરી શકે છે.
UGC-NET પરીક્ષા ટૂંક સમયમાં લેવામાં આવશે:વિરોધને ધ્યાનમાં રાખીને, શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને ગુરુવારે NTA અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બાદમાં, શિક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે UGC-NET પરીક્ષા ટૂંક સમયમાં ફરીથી લેવામાં આવશે. શિક્ષણ મંત્રાલયના સંયુક્ત સચિવ ગોવિંદ જયસ્વાલે ગુરુવારે જણાવ્યું હતું કે NTA દ્વારા 18 જૂને લેવાયેલી UGC-NET પરીક્ષામાં 9 લાખ વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી. પરીક્ષામાં ગેરરીતિની આશંકા બાદ મંત્રાલયે પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે. પુનઃ પરીક્ષાની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ કેસ CBIને સોંપવામાં આવ્યો છે.
- NEET વિવાદ પર શિક્ષણ મંત્રાલયે બિહાર પોલીસ પાસેથી માંગ્યો વિસ્તૃત રિપોર્ટ - NEET UG EXAM 2024