હૈદરાબાદઃ ભાજપના સાંસદ અને યુવા નેતા તેજસ્વી સૂર્યાના લગ્નના સમાચાર સોશિયલ મીડિયા પર ફેલાઈ ગયા છે. ભારતીય જનતા પાર્ટીમાં 'ફાયર બ્રાન્ડ' લીડર તરીકે જાણીતા તેજસ્વી સૂર્યા ટૂંક સમયમાં બેંગલુરુમાં પ્રખ્યાત ગાયક અને ભરતનાટ્યમ કલાકાર શિવશ્રી સ્કંદપ્રસાદ સાથે લગ્ન કરશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, જોકે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
ABVP થી કરી હતી રાજનિતીની શરૂઆત
તેજસ્વી સૂર્યા, કે જેઓ બેંગલુરુ દક્ષિણથી લોકસભા સાંસદ છે અને ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ છે, તેમનો જન્મ 16 નવેમ્બર 1990ના રોજ કર્ણાટકના ચિકમંગલુર જિલ્લામાં થયો હતો. તેમના પિતા સરકારી કર્મચારી છે અને માતા શિક્ષિકા છે. તેમણે તેમનું પ્રારંભિક શિક્ષણ બેંગલુરુમાં મેળવ્યું અને નેશનલ લો સ્કૂલ ઓફ ઈન્ડિયા યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી મેળવી હતી.
તેજસ્વી સૂર્યાની કારકિર્દી
તેજસ્વીએ પોતાની રાજકીય કારકિર્દી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)થી શરૂ કરી હતી. 2019 ની લોકસભા ચૂંટણીમાં, તેમણે બેંગલુરુ દક્ષિણ બેઠક પર ભારે જીત મેળવી અને સૌથી યુવા સાંસદોમાંના એક બન્યા. તેમના સ્પષ્ટવક્તા નિવેદનો અને યુવાનો સાથેના ઊંડા જોડાણને કારણે તેમને 'મોસ્ટ એલિજિબલ બેચલર' ગણવામાં આવતા હતા. 2020 માં, તેઓ ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા. તેજસ્વીને વાંચન, લેખન અને યોગ કરવાનો શોખ છે.