હરિયાણા :પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદરનો પ્રથમ પતિ ગુલામ હૈદર બાળકોને પાકિસ્તાનમાં પોતાની પાસે પરત લઈ જવા માંગે છે. આ માટે તેણે પાકિસ્તાનથી ભારતીય વકીલને હાયર કર્યા છે. સીમાના પહેલા પતિ ગુલામ હૈદરે પોતાના બાળકોને ભારતથી પાકિસ્તાન પરત લાવવા માટે પાનીપતના વરિષ્ઠ વકીલ મોમીન મલિકનો સંપર્ક કર્યો છે.
ગુલામ હૈદરની અરજી :સીમા હૈદરના પહેલા પતિ ગુલામ હૈદરે તેના 4 બાળકોની કસ્ટડી લેવા માટે પાકિસ્તાનની માનવ અધિકાર કોર્ટ અને UNO ના માનવ અધિકાર સલાહકાર અંસાર બર્ની ટ્રસ્ટને વકાલતનામું સબમિટ કર્યું હતું. ત્યારબાદ તેણે ભારતનો સંપર્ક કરી અને આ કેસની જવાબદારી પાણીપતના વકીલ મોમીન મલિકને સોંપી છે.
સીમા હૈદરના છૂટાછેડા નથી થયા :વરિષ્ઠ વકીલ મોમીન મલિકે જણાવ્યું કે, સીમા હૈદર તેના પતિથી છૂટાછેડા લીધા વિના ભારત આવી છે. તેણે પાકિસ્તાનમાં તેના પતિ પાસેથી છૂટાછેડા નથી લીધા અને ભારતમાં પણ કોઈ અરજી દાખલ કરી નથી. જ્યારે સીમા હૈદર ભારત આવી ત્યારે તેનો પતિ સાઉદી અરેબિયામાં કામ કરતો હતો. આ સમાચાર સાંભળીને જ્યારે તે પાકિસ્તાન પરત આવ્યો ત્યારે તેણે અંસાર બર્ની ટ્રસ્ટને અપીલ કરી અને કહ્યું કે તેને ભારતમાં એક વકીલની જરૂર છે. ટ્રસ્ટે મને આ કેસની જવાબદારી સોંપી છે.
સીમા હૈદર કેસની વિગત : એડવોકેટ મમન મલિકે કહ્યું કે, 17 ફેબ્રુઆરીએ મેં ઉત્તર પ્રદેશના રબુપુરા પોલીસ સ્ટેશનમાં જઈ કેસ વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મને ત્યાંથી FIR ની નકલ આપવાનો અને કોઈપણ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો. આ પછી મેં એરિયા મેજિસ્ટ્રેટને વિનંતી કરી કે મને આ કેસ વિશે માહિતી આપવામાં આવે. જે બાદ મને કેસની કોપી મળી. સીમા હૈદર અને તેના ચાર બાળકોની બલ્લભગઢથી ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ ત્યાં તેમની વિરુદ્ધ કોઈ કેસ નોંધવામાં આવ્યો ન હતો. સીમા હૈદર કે તેના બાળકોનો મેડિકલ ટેસ્ટ પણ થયો નહોતો. જ્યારે નિયમો અનુસાર આવું થવું જોઈતું હતું. હવે આ મામલે પોલીસ અધિકારીઓને કોર્ટમાં જવાબ દાખલ કરવા માટે 26 ફેબ્રુઆરી 2024 સુધીનો સમય આપવામાં આવ્યો છે.