પુરી: સમગ્ર દેશની નજર કેન્દ્રીય બજેટ 2025-26 પર ટકેલી છે. જે આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં રજૂ કરશે. આ મહત્વપૂર્ણ દિવસનું સ્વાગત ઓડિશાના પ્રખ્યાત સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે તેમની અનોખી કલાના માધ્યમથી કર્યું હતું. તેમણે પુરીના દરિયા કિનારે પર 4 ટન રેતીનો ઉપયોગ કરીને બજેટ 2025 દર્શાવતી એક અદ્ભુત કલાકૃતિ તૈયાર કરી છે. જેના પર 'કેન્દ્રીય બજેટ 2025નું સ્વાગત છે' નો સંદેશ લખેલો છે.
સુદર્શન પટનાયકની કૃતિઓમાં સંદેશ
પટનાયક, કે જે ભારતના જાણીતા પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત સેન્ડ આર્ટિસ્ટ છે. તેઓએ ANI સાથે વાત કરતા પોતાની રચના પાછળનો ભાવ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, 'હું અન્ય ભારતીયો સાથે કેન્દ્રીય બજેટ 2025 માટે ખૂબ જ ઉત્સાહિત છું. હું મારી રેતી કલા દ્વારા આ બજેટનું સ્વાગત કરવા માંગુ છું.'
પટનાયકે ન માત્ર પોતાની સર્જનાત્મકતા જ દર્શાવી, પરંતુ દેશ અને દુનિયાનું ધ્યાન આ મહત્વપૂર્ણ આર્થિક દસ્તાવેજ તરફ ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો છે. તેમના મતે, આ બજેટ માત્ર કરદાતાઓ અને વ્યવસાયો માટે મહત્વપૂર્ણ નથી. પરંતુ દેશના આર્થિક વિકાસમાં એક નવો માર્ગ ખોલનારો પણ સાબિત થઈ શકે છે.
સુદર્શન પટનાયકની સિદ્ધિઓ
સુદર્શન પટનાયકે અત્યાર સુધીમાં 65થી વધુ આંતરરાષ્ટ્રીય સેન્ડ આર્ટ સ્પર્ધાઓ અને ઉત્સવોમાં ભાગ લીધો છે અને દેશને ગૌરવ અપાવતા અનેક પુરસ્કારો જીત્યા છે. પુરી બીચ પર તેમની રેતી કલાકૃતિઓ પર્યાવરણ, સામાજિક મુદ્દાઓ અને રાષ્ટ્રીય મહત્વના વિષયો પર જાગૃતિ ફેલાવવા માટે જાણીતી છે.