નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી મંગળવારે બંધારણ દિવસના કાર્યક્રમમાં ભાગ લેવા માટે તાલકટોરા સ્ટેડિયમ પહોંચ્યા હતા. આ દરમિયાન વિપક્ષના નેતા ભાષણ આપી રહ્યા હતા ત્યારે અચાનક તેમનું માઈક બંધ થઈ ગયું. જોકે, થોડા સમય પછી ફરી માઈક ચાલુ થઈ ગયું.
માઈક બંધ થયા બાદ તેમણે કહ્યું હતું કે, આ દેશમાં 3 હજાર વર્ષથી જે કોઈ દલિતો અને આદિવાસીઓની વાત કરે છે તેનું માઈક બંધ થઈ જાય છે. ઘણા લોકો આવ્યા, કહેવા લાગ્યા જઈને બેસી જાઓ. મેં કહ્યું કે હું ઉભો રહીશ. મેં કહ્યું, તમે ગમે તેટલું માઈક બંધ કરો, હું ઊભો રહીશ. અહીં રોહિત વેમુલાની તસવીર છે, તે પણ બોલવા માંગતો હતો, પરંતુ તેને ચૂપ કરાવી દેવામાં આવ્યો.
સમગ્ર વ્યવસ્થા પછાત વર્ગો અને દલિતો વિરુદ્ધ
વિપક્ષના નેતાએ કહ્યું કે, આદિવાસી, દલિત અને પછાત વર્ગના યુવાનો દરરોજ ડોકટર, એન્જિનિયર, પત્રકાર અને અધિકારી બનવાના સપના જુએ છે, પરંતુ દેશની આખી વ્યવસ્થા પછાત વર્ગ, દલિત અને આદિવાસીઓ સામે ઉભી છે. ભારતની 200 સૌથી મોટી કંપનીઓની યાદીમાં એક પણ દલિત, ઓબીસી કે પછાત વ્યક્તિ નથી.
માઈક બંધ કરતા પહેલા રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં લોકોને કહ્યું કે, ભારતની વસ્તી ગણતરી જોઈએ તો 15 ટકા દલિત છે, 15 ટકા લઘુમતીઓ છે, પરંતુ કેટલા લોકો પછાત વર્ગના છે તે ખબર નથી. પછાત વર્ગ 50 ટકાથી ઓછો નથી. તેમણે કહ્યું કે, 15 ટકા દલિત, 8 ટકા આદિવાસીઓ, 15 ટકા લઘુમતી. ભારતની 90 ટકા વસ્તી આ વર્ગોમાંથી આવે છે.