પંચકુલા: હરિયાણાના કરનાલ જિલ્લાના એક વૃદ્ધ દંપતીએ લગ્નના 43 વર્ષ પછી છૂટાછેડા લઈને અલગ થઈ ગયા. જેમાં પતિ તેની પત્નીને કાયમી ભરણપોષણ તરીકે રૂ. 3.7 કરોડ ચૂકવવા સંમત થયો હતો. હાઈકોર્ટની મધ્યસ્થી દ્વારા થયેલા કરારમાં પતિએ સમાધાનની શરતોને પહોંચી વળવા માટે તેની ખેતીની જમીન અને પાક વેચવો પડ્યો હતો.
18 વર્ષથી પતિ અને પત્ની અલગ રહેતા હતા
વિગતો મુજબ, 69 વર્ષીય પતિ 18 વર્ષથી તેની 73 વર્ષની પત્નીથી અલગ રહેતો હતો. 27 ઓગસ્ટ, 1980ના રોજ તેમના લગ્ન થયા હતા, આ દંપતીને ત્રણ બાળકો હતા - બે પુત્રી અને એક પુત્ર. જો કે, સમય જતાં તેમના સંબંધોમાં ખટાશ આવી અને તેઓ 8 મે, 2006ના રોજ અલગ રહેવા લાગ્યા.
3.7 કરોડ ચૂકવવાની શરતે છૂટાછેડા માટે બંને પક્ષો રાજી થયા
કરનાલ ફેમિલી કોર્ટમાં દાખલ કરવામાં આવેલી તેની છૂટાછેડાની અરજીમાં, પતિએ માનસિક ક્રૂરતાનો આરોપ મૂક્યો હતો. જોકે, કોર્ટે જાન્યુઆરી 2013માં છૂટાછેડાની અરજી ફગાવી દીધી હતી. આ મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો, જ્યાં 4 નવેમ્બર, 2024ના રોજ મધ્યસ્થી સેશન શરૂ થયા હતા. બંને પક્ષો અને તેમના બાળકો રૂ. 3.7 કરોડના સમાધાનની શરતે છૂટાછેડા માટે સંમત થયા હતા.