નાગપુર:ભારતીય વિમાનો અને રેલવે સ્ટેશનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર આરોપી જગદીશ ઉઇકેને આખરે પોલીસે કસ્ટડીમાં લઈ લીધો છે. ગયા મહિને લગભગ 300 વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. નાગપુરના પોલીસ કમિશનર રવિન્દ્ર સિંઘલે માહિતી આપી હતી કે, આરોપી જગદીશ ઉઇકેને શુક્રવારે રેલવે સ્ટેશન પરથી અટકાયતમાં લેવામાં આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોથી દેશના ઘણા મહત્વપૂર્ણ એરપોર્ટ પર બોમ્બની ધમકીના ઈમેલ સતત મળી રહ્યા છે. નિરીક્ષણ અને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાના કારણે ઘણા વિમાનોની ફ્લાઈટ્સ કેટલાંક કલાકો મોડી પડી હતી અને એરલાઈન્સને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું હતું. તમામ કેસમાં જગદીશ ઉઇકેનું નામ સામે આવ્યું હતું. નાગપુર પોલીસ વિભાગ આરોપીને પકડવા માટે છેલ્લા ઘણા દિવસોથી સર્ચ ઓપરેશન ચલાવી રહ્યું હતું. આખરે શુક્રવારે નાગપુર પોલીસને સફળતા મળી.
પ્રાપ્ત માહિતી અનુસાર, જગદીશ ઉઇકે ગોંદિયા જિલ્લાના મોરગાંવ તાલુકાના તાડગાંવનો રહેવાસી છે. જો કે, તે 2016 થી ગોંદિયા છોડી ગયો હતો. તેણે ગોંદિયામાં પોતાનું ઘર પણ વેચી દીધું હતું. જગદીશ ઉઇકે તેના માતા-પિતા સાથે પણ રહેતો ન હતો. પોલીસે જણાવ્યું કે, 35 વર્ષીય જગદીશ ઉઇકેએ આતંકવાદ પર એક પુસ્તક પણ લખ્યું છે. પુસ્તક પણ વિવાદાસ્પદ બન્યું હોવાથી તે પોલીસના નિશાના પર આવ્યો હતો.