આગ્રાઃ યુપીના આગ્રામાં એરફોર્સનું મિગ-29 ફાઈટર પ્લેન ક્રેશ થયું છે. પ્લેન જમીન પર પડતાની સાથે જ તેમાં આગ લાગી ગઈ હતી. પ્લેનમાં સવાર પાયલટે કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. પ્લેન ક્રેશ થતા 15 માઈલ પહેલા પાઈલટ પ્લેનથી અલગ થઈ ગયો હતો. આ વિમાન પંજાબના આદમપુરથી ટેકઓફ થયું હતું અને પ્રેક્ટિસ માટે આગ્રા જઈ રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. એરફોર્સે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપ્યો છે.
સોનગા ગામમાં મિગ 29 ક્રેશ થવાની માહિતી મળતા જ કાગરૌલ પોલીસ સ્ટેશન અને એરફોર્સના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મિગ 29નો કાટમાળ લગભગ એક કિલોમીટરની ત્રિજ્યામાં વિખરાયેલો હતો. તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ મિગ 29ની આગને કાબૂમાં લીધી હતી. ગ્રામજનોની મદદથી એરફોર્સે પ્લેનનો કાટમાળ ભેગો કર્યો અને પોતાની સાથે લઈ ગયો.