મણિપુર : કુકી આતંકવાદીઓએ કથિત રીતે બે સ્થળોએ રહેણાંક વિસ્તારમાં લાંબા અંતરના રોકેટ છોડ્યા હતા, મણિપુર પોલીસે શનિવારે આ વાતની પુષ્ટિ કરી હતી. આ હુમલા બાદ વધારાના સુરક્ષા દળોને વિસ્તારમાં મોકલવામાં આવ્યા છે. આ હુમલામાં બિષ્ણુપુરમાં આરકે રબેઈ નામના 78 વર્ષીય વ્યક્તિનું મોત થયું અને અન્ય છ લોકો ઘાયલ થયા હતા.
કુકી આતંકીઓનો રોકેટ હુમલો :મણિપુર પોલીસે ટ્વીટર પર એક પોસ્ટમાં જણાવ્યું કે, "પોલીસ ટીમ અને વધારાના સુરક્ષા દળોને વિસ્તારને અડીને આવેલા પહાડી વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરવા માટે મોકલવામાં આવ્યા છે. મણિપુર પોલીસે પોસ્ટમાં પુષ્ટિ કરી છે કે, હુમલાને કારણે ત્રણ બંકરો ધ્વસ્ત થઈ ગયા. મુલ્સાંગ ગામમાં બે બંકર અને ચૂરાચાંદપુરના લાઈકા મૂલ્સૌ ગામમાં એક બંકર નષ્ટ થઈ ગયું છે.
પોલીસ ટીમો પર ગોળીબાર :પોલીસે વધુમાં કહ્યું કે, શંકાસ્પદ કુકી આતંકવાદીઓએ વિસ્તારમાં પોલીસ અધિક્ષક (SP) પર ગોળીબાર કર્યો હતો. એસપી સહિત બિષ્ણુપુર જિલ્લાની પોલીસ ટીમો તે વિસ્તારમાં પહોંચી જ્યાં શંકાસ્પદ કુકી આતંકવાદીઓએ તેમના પર ગોળીબાર કર્યો હતો. પરંતુ પોલીસ ટીમે જોરદાર વળતો જવાબ આપ્યો અને હુમલાને નિષ્ફળ બનાવ્યો. હવાઈ પેટ્રોલિંગ માટે સૈન્ય હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યું છે.
પોલીસ દ્વારા સુરક્ષા કામગીરી :પોલીસ મહાનિરીક્ષક અને નાયબ પોલીસ મહાનિરીક્ષક સહિત વરિષ્ઠ અધિકારીઓ પણ પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા અને તાત્કાલિક પ્રતિસાદ લેવા માટે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સાથે જ પુરાવા એકત્ર કરવા ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. મણિપુર પોલીસે ટ્વીટર પર એક પોસ્ટમાં જણાવ્યું કે, "કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય સુરક્ષા બેઠક યોજવામાં આવી હતી. અધિકારીઓ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે અને પોલીસ કોઈપણ કટોકટીની પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે.
કુકી આતંકવાદીઓ પર શંકા :મણિપુર ઈન્ટેગ્રિટી કોઓર્ડિનેશન કમિટીના (COCOMI) પ્રવક્તા ખુરાઈઝમ અથૌબાએ કહ્યું, 'કુકી આક્રમકતામાં વધારો થયો છે. છેલ્લા કેટલાક દિવસોમાં ડ્રોન બોમ્બ વિસ્ફોટની ઘટના સામે આવી છે. આજે બે મિસાઈલ હુમલા થયા હતા. આસપાસના પર્વતીય વિસ્તારોમાં આશ્રય લઈને રહેતા ચિન-કુકી નાર્કો-આતંકવાદી જૂથો દ્વારા કરવામાં આવેલા સૌથી ઘાતક હુમલો છે.
આતંકી ગતિવિધિઓમાં વધારો :મણિપુરના પ્રથમ મુખ્યમંત્રી મૈરેમ્બમ કોઈરેંગસિંહના વતનને નિશાન બનાવવામાં આવ્યું હતું. તેમની પ્રતિમા અને સંપત્તિનો નાશ કરવામાં આવ્યો છે. અગાઉ ગુરુવારના રોજ ભારતીય સેના અને મણિપુર પોલીસે સંયુક્ત ઓપરેશનમાં કાંગપોકપી અને ઇમ્ફાલ પૂર્વ જિલ્લાઓની બહારના સંવેદનશીલ વિસ્તારોમાં યુદ્ધ જેવા શસ્ત્રો અને દારૂગોળો જપ્ત કર્યો હતો.
દારૂગોળો અને હથિયારો જપ્ત :મણિપુરમાં શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવા તરફના એક મહત્વપૂર્ણ પગલામાં ભારતીય સેનાએ હિંસક પ્રવૃત્તિઓમાં વધારાનો સામનો કરવા માટે સમગ્ર પ્રદેશમાં સર્ચ ઓપરેશનને વધુ તીવ્ર બનાવ્યું છે. સેનાએ મણિપુર પોલીસ સાથે સંકલનમાં 05 સપ્ટેમ્બરના રોજ સફળતાપૂર્વક સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં ભારતીય સેનાએ એક લૉન્ચર, એક 12-બોર ડબલ બેરલ રાઇફલ, એક .177 રાઇફલ, મેગેઝિન, બે પિસ્તોલ, એક પોમ્પી ગન, પાંચ ગ્રેનેડ, દારૂગોળો અને હથિયારો જપ્ત કર્યા છે.
- મણિપુરમાં કુકી મહિલાઓ સાથે બનેલી ઘટના મામલે ચોંકાવનારો ખુલાસો
- કાંગપોકપી જિલ્લામાં બોમ્બ વિસ્ફોટ, પૂર્વ ધારાસભ્યની પત્નીનું મોત