મુંબઈ:મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના એક દિવસ પહેલા, બહુજન વિકાસ આઘાડી (BVA)ના કાર્યકરોએ નાલાસોપારાની એક હોટલમાં વિનોદ તાવડેને ઘેરી લીધા છે, અને ભાજપ પર પૈસાની વહેંચણીનો આરોપ લગાવ્યો છે. આ દરમિયાન હોટલમાં બહુજન વિકાસ આઘાડીના કાર્યકરો અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું.
અહેવાલ છે કે BVA કાર્યકર્તાઓએ વિરારની પ્રખ્યાત વિવાંતા હોટેલમાં વિરોધ કર્યો હતો. જ્યારે ભાજપના કાર્યકરો કથિત રીતે મતદારોને પૈસા વહેંચી રહ્યા હતા, ત્યારે બહુજન વિકાસ આઘાડીના કાર્યકરોએ તેમને પકડી લીધા હતા. આ પછી BVA કાર્યકરોએ હોટલમાં હંગામો મચાવ્યો હતો. માહિતી મળતાં જ વિરાર પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
કહેવામાં આવી રહ્યું છે કે નાલાસોપારા ઈસ્ટની વિવંતા હોટલમાં પૈસાની વહેંચણીની ઘટના સામે આવ્યા બાદ નાલાસોપારાના વર્તમાન ધારાસભ્ય અને બહુજન વિકાસ આઘાડીના ઉમેદવાર ક્ષિતિજ ઠાકુર તરત જ ઘટનાસ્થળે પહોંચ્યા અને ચૂંટણી અધિકારી અને પોલીસને ઘટનાની જાણ કરી. પોતાનો આક્રોશ વ્યક્ત કરતા ક્ષિતિજ ઠાકુરે કહ્યું કે ભાજપ મતદારોને પ્રભાવિત કરવા માટે મોટા પાયે નાણાનો દુરુપયોગ કરી રહી છે, જે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.
વિનોદ તાવડે 5 કરોડ રૂપિયા લાવ્યા હતા!
આ ઘટના પર બહુજન વિકાસ આઘાડીના નેતા હિતેન્દ્ર ઠાકુરે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે આરોપ લગાવ્યો કે, વિનોદ તાવડે વિવાંતા હોટલમાં 5 કરોડ રૂપિયા લાવ્યા હતા. પોલીસ હોટલમાં પહોંચ્યા બાદ તેમને બે ડાયરીઓ પણ મળી આવી હતી. વિનોદ તાવડે કહી રહ્યા છે કે, ત્યાં એક બેઠક ચાલી રહી હતી. પરંતુ શું ભાજપના રાષ્ટ્રીય નેતાને ખબર નથી કે બહારના નેતાઓએ મતદાનના 48 કલાક પહેલા મતવિસ્તાર છોડવો પડે છે? શું તાવડેને એટલી સમજ નથી?