સુરત: ઓલપાડ પોલીસના જાપ્તામાં ઉભેલા અલ્તાફ દીવાન, પહેલી નજરે તો આ ઈસમ માસૂમ દેખાશે પણ તેની કરતૂત સાંભળશો તો તમે પણ ચોંકી ઉઠશો..જીહા..પોલીસ ગીરફ્ત ઉભેલા અલ્તાફ દીવાન ઉપર એક ગંભીર ગુનો નોંધાયો છે અને એ ગુનો છે નકલી ચલણી નોટો છાપવાનો,ઓલપાડ પોલીસે અલ્તાફ દીવાનને નકલી ચલણી નોટો સાથે ઝડપી પાડયો છે.આખી ઘટના ઉપર નજર કરીએ તો ઓલપાડ પોલીસની મહિલા ટીમને બાતમી મળી હતી કે ઓલપાડના પરા વિસ્તારથી ઓલપાડ તરફ આવતા મેઈન રોડ ઉપર સેના ખાડીના બ્રિજ પાસે અલ્તાફ દીવાન નામનો ઇસમ જેણે વાદળી કલરનો શર્ટ અને ભૂરા ક્લરનું પેન્ટ પહેરેલ છે. તે કથ્થઈ કલરના લેધર બેગમાં નકલી ચલણી નોટો લઇને આવી રહ્યો છે. અને ઓલપાડ બજારમાં નકલી નોટો વટાવવાની ફિરાકમાં છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી દીધી હતી. બાતમીના આધારે વોચમાં રહેલ ઓલપાડ પોલીસે બાતમી વર્ણન મુજબનો ઇસમ આવતા જ તેને દબોચી લીધો હતો અને તેઓનું નામ ઠામ પૂછતા તેણે પોતાનું નામ અલ્તાફઅહેમદ દીવાન હોવાનું જણાવ્યું હતું. તેની પાસે રહેલ બેગ ચેક કરવામાં આવતા બેગમાંથી 100 ના દરની 97 નોટો મળી આવી હતી જે નોટો સાચી છે કે ખોટી એ તપાસ કરવા સાયન્ટીફિક ઓફિસરની મદદ લેવાઇ હતી. જેમાં આ તમામ 97 નોટો નકલી હોવાનું બહાર આવ્યું હતું ત્યાર બાદ પોલીસે નકલી નોટો,મોબાઈલ,બેગ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
દેવાદાર બનતા છાપવા લાગ્યો 100 ની નકલી નોટો:આરોપીની ધરપકડ કરી તેને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો અને આરોપી અલ્તાફ દીવાનના નામદાર કોર્ટે ૩ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ દરમિયાન પોલીસે આરોપી અલ્તાફ દિવાનની પૂછપરછ કરતાં આરોપીએ ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. આરોપી થોડા સમય પહેલા જ જામનગર થી કામ અર્થે સુરત ના ઓલપાડ ખાતે રહેવા માટે આવ્યો હતો,અલ્તાફ દીવાન પરિવાર સાથે ઓલપાડ વિસ્તારમાં રહે છે અને તે દરજી કામ સાથે જોડાયેલો છે,અલ્તાફ દીવાન ને દેવું થઈ ગયું હતું,બેંકમાં હપ્તા ભરવા માટે અલ્તાફ પાસે પૈસા ન હતા આવા સમયે અલ્તાફ ને નકલી નોટો છાપવાનો આઈડિયા આવ્યો અને તે ઘરમાં જ પ્રિન્ટર માં 100 ના દરની નકલી નોટો છાપવા લાગ્યો હતો.