ચેન્નાઈ:ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG)ના મહાનિર્દેશક (DG) રાકેશ પાલનું રવિવારે ચેન્નાઈમાં હૃદયરોગના હુમલાથી અવસાન થયું. અધિકારીઓએ આ માહિતી આપી હતી. પાલે ગયા વર્ષે 19 જુલાઈના રોજ ભારતીય કોસ્ટ ગાર્ડના 25મા મહાનિર્દેશક તરીકે ચાર્જ સંભાળ્યો હતો. મળતી માહિતી મુજબ, પાલને ચેન્નાઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એક અધિકારીએ જણાવ્યું કે તેમના પાર્થિવ દેહને દિલ્હી લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
રક્ષા મંત્રી રાજનાથ સિંહે રાકેશ પાલનીના અકાળે નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે X પર એક પોસ્ટમાં લખ્યું છે કે, આજે ચેન્નાઈમાં ભારતીય કોસ્ટ ગાર્ડના ડીજી રાકેશ પાલના અકાળે અવસાનથી ખૂબ જ દુઃખી છું. તેઓ એક સક્ષમ અને પ્રતિબદ્ધ અધિકારી હતા, જેમના નેતૃત્વમાં ICG ભારતની દરિયાઈ સુરક્ષાને મજબૂત કરવામાં ઘણી પ્રગતિ કરી રહ્યું હતું. તેમના શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું.