ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જ્ઞાનેશ કુમાર બન્યા દેશના નવા મુખ્ય ચૂંટણી કમિશનર, વિવેક જોશી હશે આગામી ચૂંટણી કમિશનર - GYANESH KUMAR

PM મોદીની આગેવાનીમાં મળેલી બેઠકમાં જ્ઞાનેશ કુમારનું નામ ફાઈનલ કરવામાં આવ્યું હતું. તેમનો કાર્યકાળ વર્ષ 2029 સુધી રહેશે.

જ્ઞાનેશ કુમાર
જ્ઞાનેશ કુમાર (PTI)

By ETV Bharat Gujarati Team

Published : Feb 18, 2025, 8:54 AM IST

નવી દિલ્હીઃ PM મોદીના નેતૃત્વમાં મળેલી બેઠકમાં દેશના નવા મુખ્ય ચૂંટણી કમિશનરની પસંદગી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કાયદા મંત્રાલયે સોમવારે આ જાણકારી આપી. કુમાર ચૂંટણી પંચના સભ્યોની નિમણૂક માટે નવા કાયદા હેઠળ નિયુક્ત થનાર પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર છે.

IAS વિવેક જોશીની ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક

તેમનો કાર્યકાળ 26 જાન્યુઆરી, 2029 સુધી ચાલશે, ત્યારબાદ ચૂંટણી પંચ થોડા દિવસો પછી આગામી લોકસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી શકે છે. હરિયાણા કેડરના 1989 બેચના ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારી વિવેક જોશીને ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જોશી (58)નો જન્મ 21 મે 1966ના રોજ થયો હતો. તેઓ 2031 સુધી ચૂંટણી પંચમાં સેવા આપશે.

કાયદા અનુસાર, મુખ્ય ચૂંટણી કમિશનર અથવા ચૂંટણી કમિશનર 65 વર્ષની વયે નિવૃત્ત થાય છે અથવા 6 વર્ષ સુધી આયોગમાં રહી શકે છે. અગાઉ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT) ના અધ્યક્ષ તરીકે સેવા આપતા સુશીલ ચંદ્રાની ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી હતી.

મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે જ્ઞાનેશ કુમાર

કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા જારી કરાયેલ એક સૂચનામાં કહેવામાં આવ્યું છે કે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે જ્ઞાનેશ કુમારની નિમણૂકને મંજૂરી આપી છે. ચૂંટણી કમિશનરોની નિમણૂક માટેના નવા કાયદા હેઠળ આ પદ પર નિયુક્ત થનારા તેઓ પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા છે. ત્યારે જાહેરાત અનુસાર, 1989 બેચના IAS ડૉ. વિવેક જોશીને ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની નિમણૂક તેઓ ચાર્જ સંભાળે તે તારીખથી લાગુ થશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં મળેલી પસંદગી સમિતિની બેઠકમાં જ્ઞાનેશ કુમારનું નામ ફાઈનલ કરવામાં આવ્યું હતું. સોમવારે સાંજે સાઉથ બ્લોકમાં વડાપ્રધાન કાર્યાલયમાં સમિતિની બેઠક મળી હતી. સમિતિએ પસંદગી સમિતિ દ્વારા પસંદ કરાયેલા ઉમેદવારોમાંથી નામોની ભલામણ કરી હતી.

તમને જણાવી દઈએ કે, રાજીવ કુમાર 1 સપ્ટેમ્બર, 2020ના રોજ ચૂંટણી કમિશનર તરીકે ECIમાં જોડાયા હતા અને 15 મે, 2022ના રોજ ભારતના 25મા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. તેમના વિદાય સંબોધનમાં, રાજીવ કુમારે 15 મિલિયન મતદાન અધિકારીઓનો લોકતાંત્રિક મૂલ્યોને જાળવી રાખવા માટે તેમના સમર્પણ માટે આભાર માન્યો.

કોણ છે જ્ઞાનેશ કુમાર?

જ્ઞાનેશ કુમાર 1988 બેચના કેરળ કેડરના અધિકારી છે. તેઓ ગયા વર્ષે જાન્યુઆરીમાં સહકાર મંત્રાલયના સચિવ પદેથી નિવૃત્ત થયા હતા. તેઓ મે 2022 થી અમિત શાહના નેતૃત્વ હેઠળના મંત્રાલયમાં સચિવ હતા. જ્ઞાનેશ કુમારે ગૃહ મંત્રાલયમાં પાંચ વર્ષ ગાળ્યા. તેમણે મે 2016 થી સપ્ટેમ્બર 2018 સુધી સંયુક્ત સચિવ તરીકે અને પછી સપ્ટેમ્બર 2018 થી એપ્રિલ 2021 સુધી અધિક સચિવ તરીકે સેવા આપી હતી.

ઑગસ્ટ 2019 માં જ્યારે કલમ 370 નાબૂદ કરવામાં આવી, ત્યારે તેમણે એડિશનલ સેક્રેટરી તરીકે જમ્મુ અને કાશ્મીર ડેસ્કનું નેતૃત્વ કર્યું હતું. જ્ઞાનેશ કુમારને ગયા વર્ષે માર્ચમાં સુખબીર સિંહ સંધુની સાથે ચૂંટણી કમિશનર નિયુક્ત કરવામાં આવ્યા હતા.

તેણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ એન્જિનિયરિંગ, કાનપુરમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં B.Tech ડિગ્રી મેળવી છે. કુમારે ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ ફાઈનાન્શિયલ એનાલિસ્ટ્સ ઓફ ઈન્ડિયામાંથી બિઝનેસ ફાઈનાન્સનો પણ અભ્યાસ કર્યો છે.

આ પણ વાંચો:

  1. કોણ હતા દેશના એકમાત્ર મહિલા મુખ્ય ચૂંટણી કમિશનર ? જાણો કેટલો લાંબો હતો તેમનો કાર્યકાળ
  2. 20 ફેબ્રુઆરીએ રામલીલા મેદાનામાં દિલ્હીના નવા CM લેશે શપથ ! CMના નામ પર સસ્પેન્સ યથાવત

ABOUT THE AUTHOR

...view details