જયપુર: મનમોહન સિંહ સરકારમાં વિદેશ મંત્રી રહેલા નટવર સિંહે શનિવારે મોડી રાત્રે ગુરૂગ્રામની હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 95 વર્ષના હતા. એક ઉમદા વ્યક્તિ અને કુશળ રાજકારણી તરીકે જાણીતા હતાં. નટવર સિંહ રાજસ્થાનના ભરતપુરના રહેવાસી હતા. તેમનો જન્મ 16 મે, 1929ના રોજ ભરતપુરમાં થયો હતો. તેમણે મે-2004 થી ડિસેમ્બર-2005 સુધી મનમોહન સિંહ સરકારમાં વિદેશ મંત્રી તરીકે સેવા આપી હતી. તેમના પુત્ર જગત સિંહ હાલમાં ભરતપુરના નાદબાઈથી ભાજપના ધારાસભ્ય છે. નટવર સિંહની પત્ની હેમિંદર કૌર કેપ્ટન અમરિંદર સિંહની બહેન છે. નટવર સિંહના અંતિમ સંસ્કાર આજે દિલ્હીમાં કરવામાં આવશે. નટવર સિંહ બે વખત લોકસભાના અને એક વખત રાજ્યસભાના સભ્ય પણ રહી ચુક્યા છે.
રાજદ્વારીથી રાજકારણી સુધીની સફર: નટવર સિંહ એક ભારતીય રાજદ્વારી અને અનુભવી રાજકારણી હતા. તેઓ 1953માં ભારતીય વિદેશ સેવામાં જોડાયા હતા. તેમણે યુનિસેફના એક્ઝિક્યુટિવ બોર્ડમાં ભારતના પ્રતિનિધિ તરીકે સેવા આપી હતી. 1963 અને 1966 ની વચ્ચે સંયુક્ત રાષ્ટ્રસંઘની ઘણી સમિતિઓમાં તેમણે કામ કર્યું. તેઓ 1966માં ઈન્દિરા ગાંધીના વડા પ્રધાન સચિવાલયમાં નિયુક્ત થયા હતા.