મુંબઈ: મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસનું નામ ફાઈનલ થઈ ગયું છે. ભાજપના એક વરિષ્ઠ નેતાએ રવિવારે રાત્રે આ દાવો કર્યો હતો. નામ ન આપવાની શરતે તેમણે PTIને જણાવ્યું કે, બીજેપી વિધાનસભ્ય દળની બેઠક 2 અથવા 3 ડિસેમ્બરે યોજાશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, નવી મહાયુતિ સરકારનો શપથ ગ્રહણ સમારોહ 5 ડિસેમ્બરની સાંજે દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં યોજાશે અને તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપશે. ફડણવીસ બે વખત મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. બીજી ટર્મ થોડા દિવસો માટે હતી. કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની સરકારમાં તેઓ નાયબ મુખ્યમંત્રી હતા.
અગાઉ, રાજ્યના કાર્યકારી મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે, રાજ્યના નવા મુખ્ય પ્રધાન વિશે ભાજપ નક્કી કરશે, જેને તેમનું સંપૂર્ણ સમર્થન મળશે. તેમણે કહ્યું કે સરકારની રચનાને લઈને મહાયુતિના સાથી પક્ષોમાં કોઈ મતભેદ નથી. સતારા જિલ્લામાં તેમના વતન ગામ દારે ખાતે પત્રકારો સાથે વાત કરતા, શિંદેએ એમ પણ કહ્યું કે, સરકારની રચના અંગે વાતચીત ચાલી રહી છે અને તમામ નિર્ણયો ત્રણ મહાયુતિ સહભાગી - શિવસેના, ભાજપ અને એનસીપી દ્વારા સર્વસંમતિથી લેવામાં આવશે.