નવી દિલ્હી :દિલ્હી હાઈકોર્ટે લોકસભા ચૂંટણી માટે નોમિનેશન દાખલ કરતા સમયે ટ્રાન્સજેન્ડર સમુદાયના વ્યક્તિને જરૂરી સુરક્ષા પ્રદાન કરવાનો પોલીસ વિભાગને નિર્દેશ આપ્યો છે. આ સાથે દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે, બંધારણ હેઠળ ટ્રાન્સજેન્ડરોને આપવામાં આવેલા અધિકારોનું રક્ષણ કરવું અને તેનો અમલ કરવો એ રાજ્યની ફરજ છે.
અરજદારે કરી સુરક્ષાની માંગ :રાષ્ટ્રીય બહુજન કોંગ્રેસ પાર્ટીના સમર્થન સાથે દક્ષિણ દિલ્હી સંસદીય મત વિસ્તારમાંથી રાજન સિંહ ઉમેદવારી નોંધાવવા માંગતા હતા. અરજદાર રાજન સિંહે આરોપ લગાવ્યો હતો કે, આ મહિનાની શરૂઆતમાં બદરપુર સ્થિત તેમની ઓફિસ પર "જીવન જોખમી હુમલો" થયો હતો. ઉપરાંત તેમની યોગ્ય સુરક્ષા અને તેના મૂળભૂત અધિકારોના રક્ષણ માટે દિશાનિર્દેશોની માંગ કરી હતી.
બંધારણની કલમ 14 :જસ્ટિસ અનૂપ કુમાર મેંદિરત્તાએ નોંધ કરી કે, બંધારણની કલમ 14 ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા માટે પણ સમાનતાની ખાતરી આપે છે અને જાતીય અભિગમ અથવા લિંગ ઓળખના આધારે કોઈપણ ભેદભાવ આ જોગવાઈને અવરોધે છે.
દિલ્હી હાઈકોર્ટનો આદેશ : 29 એપ્રિલના રોજ દિલ્હી હાઈકોર્ટે આદેશમાં જણાવ્યું કે, ભારતના બંધારણની કલમ 14 ચૂંટણી પ્રક્રિયામાં સહભાગિતા સહિત રાજ્યની પ્રવૃત્તિઓના તમામ ક્ષેત્રોમાં કાયદાનું સમાન રક્ષણ સુનિશ્ચિત કરે છે. જાતીય અભિગમ અથવા લિંગ ઓળખના આધારે કોઈપણ ભેદભાવ કાયદા સમક્ષ સમાનતાને નબળી પાડે છે અને કલમ 14 નું ઉલ્લંઘન કરે છે. બંધારણ હેઠળ ટ્રાન્સજેન્ડરોના અધિકારોની સુરક્ષાની બાંયધરી અને અમલીકરણની ફરજ રાજ્ય સરકારની છે.
પોલીસ વિભાગને આદેશ આપ્યો : દિલ્હી હાઈકોર્ટે વધુમાં કહ્યું કે, દક્ષિણ દિલ્હી સંસદીય મતવિસ્તારમાંથી નોમિનેશન ફોર્મ ભરવા માટે અરજદારને જરૂરી સુરક્ષા પૂરી પાડવા માટે DCP ને નિર્દેશો સાથે અરજીનો નિકાલ કરવામાં આવે છે. સંબંધિત SHO ઉપરોક્ત હેતુ માટે અરજદાર સાથે તેમનો મોબાઈલ નંબર પણ શેર કરશે.
અરજદારને સુરક્ષા આપવા નિર્દેશ :રાજ્ય સરકાર તરફથી હાજર રહેલા વકીલે કોર્ટને ખાતરી આપી હતી કે, જો અરજદારને નોમિનેશન ફોર્મ ભરવાના માટે કોઈ સુરક્ષાની જરૂર હોય તો પૂરી પાડી શકાશે. અરજદારની ફરિયાદને કાયદા અનુસાર વધુ તપાસવામાં આવશે અને તેના પરિણામની જાણ અરજદારને બે અઠવાડિયાના સમયગાળામાં કરવામાં આવશે.
- પ્રેમમાં નિષ્ફળતાના કારણે બોયફ્રેન્ડની આત્મહત્યા માટે ગર્લફ્રેન્ડ દોષિત નથી, દિલ્હી હાઈકોર્ટનો નિર્ણય
- 'માત્ર વૃદ્ધાવસ્થા અને નબળા સ્વાસ્થ્યને કારણે વ્યક્તિને આજીવિકા અધિકારથી વંચિત ન રાખી શકાય': દિલ્હી હાઈકોર્ટ