નવી દિલ્હી : ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડાનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. તેમણે પૂર્વી રાજ્યોના લોકોની તુલના ચીન સાથે અને દક્ષિણ ભારતીયોની આફ્રિકા સાથે કરી હતી. કોંગ્રેસ નેતાએ ધ સ્ટેટ્સમેનને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, ભારતના ઉત્તર-પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે અને દક્ષિણના લોકો આફ્રિકાના લોકો જેવા દેખાય છે.
સામ પિત્રોડાનું નિવેદન :સામ પિત્રોડાએ કહ્યું કે, આપણે ભારત જેવા વૈવિધ્યસભર દેશને એકીકૃત રાખી શકીએ છીએ. જ્યાં ઉત્તર પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે, પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા દેખાય છે, ઉત્તર ભારતના લોકો વ્હાઈટ જેવા દેખાય છે અને દક્ષિણ ભારતના લોકો આફ્રિકન જેવા દેખાય છે. તેનાથી કોઈ ફરક પડતો નથી. આપણે બધા ભાઈ-બહેન છીએ.
ભારતમાં દરેક માટે જગ્યા છે : સામ પિત્રોડાએ વધુમાં કહ્યું કે, ભારત વિશ્વમાં લોકશાહીનું ઝળહળતું ઉદાહરણ છે. આપણે બધા અલગ-અલગ ભાષા, અલગ-અલગ ધર્મ, રીત-રિવાજો અને ખોરાકનું સન્માન કરીએ છીએ. આ એ ભારત છે જેમાં હું માનું છું, જ્યાં દરેક માટે જગ્યા છે અને દરેક જણ થોડું ઘણું સમાધાન કરે છે.