અમદાવાદ :આજે 23 ફેબ્રુઆરી, રવિવારના રોજ ચંદ્ર ધન રાશિમાં છે. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.
મેષ: ધન રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી નવમ ભાવમાં રહેશે. આપનો આજનો દિવસ મિશ્ર ફળ આપનાર હશે. આજે આપ તબિયતમાં થોડી અસ્વસ્થતા અને બેચેની અનુભવી શકો છો માટે સ્વાસ્થ્યપ્રદ ખોરાક, પુરતી ઊંઘ અને નિયમિત જીવનશૈલીના આગ્રહી બનજો. ગુસ્સાનું પ્રમાણ વધારે રહેતું હોય તો અત્યારે સંભાળજો જેથી સંબંધોમાં તણાવ ટાળી શકાય. જો કે, વ્યાપક રીતે જોવામાં આવે તો આજે આપનું વલણ ન્યાય ભરેલું રહે. નિર્ધારિત કાર્ય કરવા તરફ પ્રેરાઇ શકો. ધાર્મિક પ્રવાસનું આયોજન થઇ શકે છે. આજે આપ જે પ્રયત્નો કરો છો તે ખોટી દિશામાં થતાં હોય તેવું બને.
વૃષભ:ધન રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી અષ્ટમ ભાવમાં રહેશે. આજના દિવસે સાવચેતીપૂર્વક ચાલવાની આપને સલાહ આપવામાં આવે છે. આજે કોઇપણ પ્રકારના નવા કાર્યની શરૂઆત ન કરો તો વધુ સારું છે. આજે આપની તબિયતની વધુ કાળજી લેવી પડશે. ખાવાપીવામાં વિશેષ કાળજી રાખશો તો ઘણી સમસ્યાઓ આવતા પહેલાં જ નિવારી શકશો. શક્ય હોય એટલો વધુ પૌષ્ટિક આહાર લેવો. ઓફિસ કે વ્યવસાયમાં વધારે પડતા કાર્યબોજના પ્રમાણમાં પુરતી ઊંઘને મહત્વ આપવું. મુસાફરીમાં બહુ મોટો લાભ થવાની શક્યતા ઓછી હોવાથી ટાળી શકો છો. બને તેટલો સમય આધ્યાત્મિકતામાં પસાર કરવો.
મિથુન: ધન રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી સપ્તમ ભાવમાં રહેશે. આપનો આજનો દિવસ ખૂબ આનંદપ્રમોદ અને મોજશોખમાં પસાર થશે. આજે આપ તનમનથી તાજગી અનુભવશો. મિત્રો કે કુટુંબના સભ્યો સાથે બહાર ફરવા જવાનો કે પ્રવાસ પર જવાનો પ્રસંગ બને. મિષ્ટાન્નયુક્ત શ્રેષ્ઠ ભોજનનો આસ્વાદ માણો. નવા વસ્ત્રોની ખરીદી કરો. વાહનસુખનો યોગ છે. વિજાતીય પાત્રો સાથેની મુલાકાતથી આનંદ થાય. આપનું જાહેરમાં સન્માન થાય તેમજ આપની લોકપ્રિયતા વધે. દાંપત્યસુખથી સંતુષ્ટ રહો.
કર્ક: ધન રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી ષષ્ટમ ભાવમાં રહેશે. આજે નોકરિયાત વર્ગને માટે લાભદાયક હોવાનું જણાઈ રહ્યું છે. ઓફિસમાં તેમજ સહકર્મચારીઓનો સારો સાથ સહકાર મળી રહેશે. પરિવારમાં આપ સ્વજનો સાથે સંપૂર્ણ સુખ અને આનંદપૂર્ણ રીતે સમય પસાર કરી શકો. માનસિક રીતે પણ આપ સંપૂર્ણ સ્વસ્થ હશો. પ્રતિસ્પર્ધીઓ પર વિજય મેળવી શકશો. કાર્યમાં યશપ્રાપ્તિ થાય. સામાન્ય ખર્ચ વધુ રહેશે. સ્ત્રીમિત્રો સાથે મિલનથી આનંદ અનુભવશો.
સિંહ:ધન રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી પંચમ ભાવમાં રહેશે. આપનો આજનો દિવસ સર્જનાત્મક પ્રવૃત્તિ અને કલાસાહિત્ય અંગેની પ્રવૃત્તિઓમાં વીતશે. વિદ્યાર્થીઓ પોતાનો ઉત્કૃષ્ટ દેખાવ અભ્યાસમાં કરી શકશે. પ્રિયપાત્ર સાથે મિલન- મુલાકાત થાય. સ્ત્રી મિત્રોનો સાથ સહકાર સાંપડે. શરીર સ્વાસ્થ્ય સારું રહે. ગુસ્સાની લાગણી પર કાબૂ રાખવો. મનની એકાગ્રતા સાધી શકાશે.
કન્યા: ધન રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી ચતુર્થ ભાવમાં રહેશે. આપનો વર્તમાન દિવસ આંશિક પ્રતિકૂળતાભર્યો રહેવાની સંભાવના જણાઈ રહી છે. આજે તનની સ્વસ્થતા રહે પરંતુ મન ચિંતાગ્રસ્ત રહેશે. પાણીજન્ય બીમારીઓ અને જળાશયથી સંભાળવાનું રહેશે. સ્ત્રી સાથે મનદુ:ખ કે અબોલા ટાળવા માટે વાણી અને વર્તનમાં પારદર્શકતા વધારજો. આપ્તજનો સાથે મનદુ:ખની ઘટના ટાળવી. માતાની સેવા કરવાથી ફાયદો થશે. જમીન- મિલકતના દસ્તાવેજો કરવામાં સાવચેતી રાખવી.
તુલા:ધન રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી તૃતીય ભાવમાં રહેશે. આજનો દિવસ આપના માટે આનંદદાયક હોવાનું લાગે છે. માનસિક પ્રસન્નતા રહે. સહોદરોથી સુખ અને આનંદની પ્રાપ્તિ થાય. ધાર્મિક પ્રવાસ- પર્યટનનો આનંદ માણી શકો. પ્રિયપાત્રનો સંગાથ આનંદ આપી જશે. લાગણીભર્યા સંબંધો આપને ભીંજવી જશે.
વૃશ્ચિક: ધન રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી દ્વિતિય ભાવમાં રહેશે. આજે પરિવારને કલેશયુક્ત રાખવા માટે આપે જીભ પર કાબૂ રાખવો પડશે. આપનું વર્તન પણ કોઇને મનદુ:ખ પહોંચાડી શકે છે. તેથી તે બાબત ખાસ ધ્યાન રાખવું. આપના મન પર નકારાત્મક વિચારો પ્રભુત્વ ન જમાવે તેનો ખ્યાલ રાખવો. શારીરિક તંદુરસ્તી પણ નરમ રહેવાની શક્યતા છે. ચિત્તમાં ગ્લાનિનો અનુભવ થઈ શકે છે માટે ધૈર્ય રાખવું. વિદ્યાર્થીઓને વિદ્યાપ્રાપ્તિમાં મહેનત વધારવી પડશે.
ધન:ધન રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી પ્રથમ ભાવમાં રહેશે. આજના દિવસે આપના ધાર્યા કામ સુપેરે પાર પડશે. તન અને મનની સ્વસ્થતા આપના સમગ્ર વ્યક્તિત્વને પ્રફુલ્લિત રાખશે. મુસાફરી માટેની વિશેષ કરીને કોઇ યાત્રા સ્થળે પ્રવાસની શક્યતાઓ જણાય છે. સ્વજનોના મિલનથી મન આનંદિત રહે. પરિવારના નિકટના સગાં સ્નેહીને ત્યાં શુભ પ્રસંગે હાજરી આપવાનું બને. દાંપત્યજીવનમાં આનંદ રહેશે. યશકીર્તિ વધશે.
મકર: ધન રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી દ્વાદશ ભાવમાં રહેશે. શરીર અને મનની સ્વસ્થતા આજે રહે. આપને આરોગ્ય સંબંધમાં આંશિક ફરિયાદ રહેશે પરંતુ થોડુ ધ્યાન આપવાથી સ્વસ્થતા આવી જશે. વ્યવસાયના કાર્યોમાં સરકારની દરમ્યાનગીરી વધશે માટે કાયદા વિરોધી કોઈ પગલું ભરવું નહીં. ધાર્મિક સામાજિક કાર્યો પાછળ નાણાંનો ખર્ચ થાય. સગાં- સંબંધી મિત્રો સાથે ઓછો સમય વિતાવી શકો. આજે આપનું વલણ આધ્યાત્મિકતા તરફ વધારે રહે. કોર્ટ કચેરીના કાર્યમાં સફળતા મળે. વાણી પર સંયમ રાખવો.
કુંભ: ધન રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી એકાદશ ભાવમાં રહેશે. વર્તમાન સમયમાં મળનારા વિવિધ લાભોથી આપનો આનંદ દ્વિગુણિત બનશે. નવા કાર્યોના આયોજન કે કાર્યારંભ માટે શુભ સમય છે. ઉપરી અધિકારીઓ આજે આપના પર વિશેષ મહેરબાન રહે. વેપારીઓને વેપારમાં લાભ થશે. સામાજિક ક્ષેત્રે નામના મેળવો. સંતાનો સાથે સુમેળ રહેશે. આવકમાં વધારે થશે. પ્રવાસ- પર્યટનનું આયોજન થશે.
મીન:ધન રાશિનો ચંદ્ર આજે આપની રાશિથી દશમ ભાવમાં રહેશે. આપનો આજનો દિવસ શુભ ફળ આપનાર નીવડશે. નોકરી વ્યવસાયના ક્ષેત્રે આપને સફળતા મળે અને ઉપરી અધિકારીઓ આપના પર ખુશ રહેશે. જેના કારણે આપ અત્યંત પ્રસન્ન રહેશો. વેપારમાં આવક વૃદ્ધિ થાય અને ઉઘરાણીના નાણાં છૂટા થાય. વડીલ વર્ગ અને પિતા તરફથી ફાયદો થાય. આર્થિક ધનલાભ થાય. કુટુંબમાં આનંદનું વાતાવરણ રહે. ઉચ્ચ હોદ્દો મળે.