ગૌહાટીઃ આસામના મુખ્ય પ્રધાન હિમંત બિસ્વા સરમાએ મંગળવારે ટોળાને ઉકસાવવા અને અવરોધોને તોડવા બદલ રાજ્ય પોલીસ મહાનિદેશક જી પી સિંહને રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ કરવાના આદેશ આપ્યા છે.
યુવા કૉંગ્રેસના રાજ્ય અધ્યક્ષ શ્રીનિવાસ બી.વી.ની એક પોસ્ટના જવાબમાં મુખ્ય પ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે, મેં આસામ પોલીસ મહાનિદેશકને ભીડને ઉકસાવવા માટે તમારા નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ કરવાનો આદેશ કર્યો છે. સરમાએ કહ્યું કે, જે વીડિયોને શ્રીનિવાસે પોતાના એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે તેનો પુરાવા તરીકે ઉપયોગ કરવામાં આવશે.
મુખ્ય પ્રધાને કહ્યું કે, આ આસામની સંસ્કૃતિનો ભાગ નથી. અમારુ રાજ્ય શાંતિપૂર્ણ રાજ્ય છે. આ રીતના નક્સલવાદી કૃત્યો અમારી સંસ્કૃતિથી બિલકુલ વિપરીત છે. સરમાએ કહ્યું કે, તમારા બિનજવાબદારી પૂર્વક વર્તન અને દિશા નિર્દેશોના ઉલ્લંઘનના કારણે હવે ગૌહાટીના માર્ગો પર ભારે જામ થઈ ગયો છે.
રાહુલ ગાંધીએ શહેરની બહારના વિસ્તારોમાં કૉંગ્રેસ સમર્થકોને સંબોધિત કરતી વખતે કહ્યું કે, અમે અવરોધક તોડ્યા છે કોઈ કાયદા તોડ્યા નથી.
આખી યાત્રાને શહેરમાં પ્રવેશવાથી રોકવા માટે બે સ્થળો પર અવરોધકો લગાડ્યા હતા. પોલીસે કૉંગ્રેસ કાર્યકર્તાઓને રોકવા માટે બળપ્રયોગ પણ કર્યો હતો. રાહુલ ગાંધીએ ગૌહાટીમાં પ્રવેશ્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કૉંગ્રેસ નેતાએ રસ્તામાં યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓને સંબોધન કર્યુ હતું.