નવી દિલ્હી:અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવેલા 12 ભારતીયોને લઈને એક વિમાન રવિવારે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રની કાર્યવાહી અને ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને પરત મોકલવાના નિર્ણય બાદ આ ચોથું વિમાન છે જે ભારતીયોને લઈને અહીં પહોંચ્યું છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગેરકાયદેસર ભારતીય ઈમિગ્રન્ટ્સ પનામા થઈને ભારત પરત ફર્યા હતા. તેમાંથી ચાર પંજાબના છે - બે ગુરદાસપુરના, એક પટિયાલા અને જલંધરથી. જોકે આ વખતે તેમાં કોઈ ગુજરાતી નથી. અત્યાર સુધી જુદી જુદી 3 બેચમાં અમેરિકાથી 74 જેટલા ગુજરાતીઓને ડિપોર્ટ કરીને પાછા મોકલવામાં આવ્યા છે.
અમેરિકાએ લગભગ 299 ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને દેશનિકાલ કર્યા પછી પનામા થઈને ભારત આવનાર ભારતીયોનું આ પહેલું જૂથ છે. ઉત્તર અમેરિકાના દેશો પનામા અને કોસ્ટા રિકા દેશનિકાલ કરાયેલા માઇગ્રન્ટ્સને પાછા મોકલવા માટે યુએસને સહયોગ કરી રહ્યા છે. તેના દ્વારા અમેરિકા એશિયાના વિવિધ દેશોમાંથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને પરત મોકલી રહ્યું છે.
આ પહેલા 16 ફેબ્રુઆરીએ 112 ભારતીયોને લઈને ત્રીજું યુએસ આર્મી પ્લેન અમૃતસર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યું હતું, જેમાં પંજાબના 31 લોકો સામેલ હતા. આ ઉપરાંત હરિયાણા, ગુજરાત, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને હિમાચલના નાગરિકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.