નવી દિલ્હી :કેન્દ્ર સરકારે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની (UPSC) ભરતી પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા માટે કડક પગલાં લીધા છે. સરકારે ઉમેદવારોની ઓળખ માટે આધાર કાર્ડ વેરીફીકેશનનો સમાવેશ કર્યો છે. ભરતી પ્રક્રિયાના વિવિધ તબક્કા દરમિયાન આધાર નંબર દ્વારા ઉમેદવારોની ઓળખ ચકાસવામાં આવશે.
ઉમેદવારોનું આધાર વેરિફિકેશન : કેન્દ્ર સરકારે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનને (UPSC) રજીસ્ટ્રેશન સમયે અને ભરતીના વિવિધ તબક્કા દરમિયાન ઉમેદવારોની ઓળખ સ્વૈચ્છિક રીતે ચકાસવા માટે આધાર-આધારીત પ્રમાણીકરણ હાથ ધરવાની મંજૂરી આપી હતી.
કેન્દ્ર સરકારની જાહેરાત :કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, વન ટાઈમ રજિસ્ટ્રેશન પોર્ટલ પર નોંધણી સમયે અને ભરતી પરીક્ષાના વિવિધ તબક્કા દરમિયાન ઉમેદવારોની ઓળખ ચકાસવા માટે આધારનો ઉપયોગ કરવામાં આવશે. આ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, 'યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એક્ટની તમામ જોગવાઈઓ, તેના હેઠળ બનાવેલા નિયમો અને 'યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા' દ્વારા જારી કરાયેલ સૂચનાઓનું પાલન કરશે.
IAS પૂજા ખેડકર કેસ : જુલાઈમાં, યુનિયન પબ્લિક સર્વિસ કમિશને (UPSC) IAS અધિકારી પૂજા ખેડકરની કામચલાઉ ઉમેદવારી રદ કરી હતી. સાથે જ તેને ભવિષ્યની તમામ પરીક્ષાઓ અને પસંદગીઓમાંથી કાયમી ધોરણે પ્રતિબંધિત કરી હતી. અગાઉ 12 ઓગસ્ટના રોજ દિલ્હી હાઈકોર્ટે સસ્પેન્ડેડ IAS ઓફિસર પૂજા ખેડકરની આગોતરા જામીન અરજી અંગે દિલ્હી પોલીસ અને યુનિયન પબ્લિક સર્વિસ કમિશનને (UPSC) નોટિસ પાઠવી હતી. પૂજા ખેડકરે જિલ્લા અદાલતના નિર્ણયને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો હતો, જેમાં તેને જામીન આપવાનો ઈન્કાર કરવામાં આવ્યો હતો. FIR માં આરોપ લગાવવામાં આવ્યો છે કે, પૂજા ખેડકરે સિવિલ સર્વિસ પરીક્ષામાં વધારાની તક મેળવવા માટે પોતાની ખોટી ઓળખ બતાવી હતી.
- UPSC માં લેટરલ એન્ટ્રી દ્વારા નિમણૂંક મામલે મનીષ દોશીનું નિવેદન
- પૂજા ખેડકરની ઉમેદવારી કરાઈ રદ, ભવિષ્યમાં પરીક્ષા નહીં આપી શકે