વલસાડ: આગામી દિવસોમાં આવી રહેલી કપરાડા તાલુકા વિધાનસભાની બેઠકની પેટાચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા શક્તિ પ્રદર્શનના ભાગરૂપે વિસ્તૃત કારોબારીની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે હાલમાં જ નિયુક્ત થયેલા હાર્દિક પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કપરાડા તાલુકો બન્યો પરંતુ આદિવાસી સમાજના લોકોને જે પ્રાથમિક સુવિધાઓ મળવી જોઈએ તે સુવિધાઓ તેમને મળી નથી.
તેમણે કહ્યું કે કોંગ્રેસ પક્ષ એ સરદાર પટેલ ગાંધીજી અને ઇંદિરા ગાંધીનો પક્ષ છે. જ્યારે અમિત ચાવડાએ કહ્યું કે પક્ષ છોડીને ગયેલા ગદ્દારોને હવે ચૂંટણી આવી છે એટલે પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે.
નોંધનીય છે કે આ કાર્યક્રમમાં પારડી, વાપી, કપરાડા સહિતના અનેક વિસ્તારના 300થી વધુ યુવા સંગઠનના હોદ્દેદારોએ ભાજપ છોડીને કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો, તેમજ કોરોનાના જોખમને અવગણીને આ કાર્યક્રમમાં 1200થી વધુ લોકોની જનમેદની એક જ સ્થળ ઉપર જોવા મળી હતી જ્યાં સોશીયલ ડિસ્ટન્સીંગનો ખુલ્લેઆમ ભંગ થતો જોવા મળ્યો હતો.
પારડી તાલુકાના અરનાલા ગામે આવેલા રક્ષકેશ્વર મહાદેવ મંદિર ખાતે કોમ્યુનિટી હોલમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુરૂવારે વિસ્તૃત કારોબારીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ, માજી કેન્દ્રીય પ્રધાન અને કપરાડા વિધાનસભા ચૂંટણીના પ્રભારી તુષાર ચૌધરી તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કોર કમિટીના સભ્ય ગૌરાંગભાઇ પંડ્યા, વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સહિત અનેક કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠક દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ જેઓ પ્રથમવાર દક્ષિણ ગુજરાતમાં પધાર્યા હતા એવા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે આદિવાસી સમાજના નામે અનેક નેતાઓ તરી ગયા છે. આદિવાસી સમાજ માટે સરકાર ગ્રાન્ટ ફાળવેલી છે પરંતુ આ ગ્રાન્ટનો ઉપયોગ કરાતો નથી. તેમણે કહ્યું કે કપરાડા તાલુકો ભલે બન્યો છે પરંતુ તાલુકા દરજ્જાને મળતી પ્રાથમિક સુવિધાઓ અહીં આગળ જોવા મળતી નથી. આજે પણ અહીં લોકો વિકાસથી વંચિત છે.
તેમણે ગઈકાલનો દાખલો આપતા જણાવ્યું કે ગઈકાલે પ્રદેશમાં બનેલી વીજળી પડવાની ઘટનામાં બે લોકોના મોત થયા હતા. જ્યારે પાંચ લોકો ઘાયલ હતા જ્યારે આ તમામને સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે હોસ્પિટલમાં યોગ્ય સારવાર મળી નહિ અને બે લોકોના મોત થયા. દરેક હોસ્પિટલમાં જરૂરિયાત મુજબના સાધન સરંજામ હોવા જોઈએ તેનો પણ અહીં અભાવ જોવા મળે છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ વર્ષો જૂની પાર્ટી છે જેમાં સરદાર પટેલ, ગાંધીજી અને ઇન્દિરા ગાંધી જેવા દિગ્ગજ નેતાઓ હતા અને તેમના વિચારો આજે પણ આ પાર્ટીમાં કાર્યરત છે.