વલસાડઃ જિલ્લામાં આવેલા વિવિધ પોલીસ મથકોમાં વિવિધ ગુનાઓ અને પ્રોહીબીશનમાં પકડાયેલા અનેક નાના-મોટા વાહનો પોલીસે કબ્જે કર્યા બાદ પોલીસ મથકના પરિસરમાં કે પોલીસ મથકની આસપાસના વિસ્તારમાં મૂકી દેવામાં આવે છે અને તે બાદ આ વાહનોને કોઇ છોડાવવા માટે આવતું નથી કે પોલીસ પણ તેની દરકાર રાખતા નથી, જેના કારણે મોટી સંખ્યામાં વાહનોનો ખડકલો પોલીસ મથકની આસપાસમાં એકત્ર થઇ જાય છે અને પોલીસ મથકનું આખું પરિસર ભરાઈ જતું હોય છે.
જિલ્લાના પારડી પોલીસ મથકની બાજુમાં આવેલા પોલીસ લાઇનના રહેણાંક વિસ્તારની ખાલી જગ્યામાં પોલીસે પકડેલા અને જપ્ત કરેલા અનેક વાહનોથી પરિસર ભરાઈ ગયું હતું, જેના કારણે આવન જાવનમાં પણ મુશ્કેલી પડી રહી હતી. પરંતુ હાલમાં જ નવા આવેલા પીએસઆઇ બી એન ગોહિલ દ્વારા આ તમામ વાહનોને યોગ્ય સ્થળે મોકલવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. છેલ્લા બે દિવસથી પારડી પોલીસ લાઈનમાં આવેલા પરિસરમાં કબજે કરાયેલા નાના-મોટા તમામ વાહનોને ટ્રકોમા ભરી ભરીને ભીલાડ ખાતે આવેલા આરટીઓ કચેરી નજીકના વિસ્તારમાં મોકલવામાં આવી રહ્યા છે.
જેમાં રવિવારે પારડી પોલીસ મથકથી 148 જેટલા નાના-મોટા વાહનો મોકલવામાં આવ્યાં છે, તો 17 બાઇકો મોકલી દેવામાં આવી હતી. તેમજ સોમવારે પણ વહેલી સવારથી આ કામગીરી શરૂ કરવામાં આવી છે અને કબ્જે કરવામાં આવેલા મોટાભાગના વાહનોને ભીલાડ સુધી રવાના કરવાની કામગીરી સતત ચાલી રહી છે, જેને લઇને હાલ પારડી પોલીસ મથકની અંદર વર્ષોથી પરિસરમાં પડી રહેલા વાહનો દૂર થતા પોલીસ સ્ટેશનની જગ્યા ચોખ્ખી થઈ રહી છે.
મહત્વનું છે કે, જિલ્લાના મોટાભાગના પોલીસ સ્ટેશનના પરિસરમાં પકડાયેલા અનેક વાહનો મૂકવામાં આવે છે. જિલ્લામાં એવું કોઈ સ્થાન નથી કે ત્યાં આ તમામ વાહનોને એક સાથે મૂકવામાં આવે, પરંતુ જિલ્લા પોલીસ વડા આ બાબતે ધ્યાન આપી યોગ્ય નિકાલ કરે તો તમામ પોલીસ મથકમાં પોલીસ દ્વારા વિવિધ ગુનામાં કબ્જે લેવામાં આવેલા મોટાભાગના વાહનો પરિસરમાંથી ખાલી થઈ જાય એમ છે.