વલસાડ: વલસાડ જિલ્લા પોલીસે 31st ની ઉજવણી માટે દમણ, સેલવાસ, મહારાષ્ટ્રમાંથી દારૂ પીને ગુજરાતમાં પ્રવેશનારા પીધેલાઓ સામે 38 ચેકપોસ્ટ ઉભી કરી કરી હતી. આ તમામ ચેકપોસ્ટ પર હાથ ધરાયેલ કાર્યવાહીમાં 31st ડિસેમ્બરની રાત્રે દારૂ પીધેલા દારૂડિયાઓ ઝડપાયા હતાં. જિલ્લા પોલીસની 2 દિવસની આ ડ્રાઈવમાં જો કે ગત વર્ષની તુલનાએ સોમરસ શોખીનોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો.

13 ચેક પોસ્ટ પર સઘન ડ્રાઈવ: વલસાડ જિલ્લા પોલીસે 30મી ડિસેમ્બરે જિલ્લાના 13 પોલીસ મથક હસ્તકની ચેકપોસ્ટ પર દારૂ પીઈને ડ્રાઈવિંગ કરનારા પીધેલાઓ સામે સઘન ડ્રાઈવ ચલાવી હતી. ત્યારે 31મી ડિસેમ્બરે પણ દમણ, સેલવાસ, મહારાષ્ટ્રમાંથી દારૂ પીને ગુજરાતમાં પ્રવેશનારા પીધેલાઓને ઝડપી પાડીને પોલીસે પ્રોહીબિશન એકટ હેઠળ કાર્યવાહી કરી છે.

વલસાડ પોલીસ એક્શનમાં: વલસાડ જિલ્લો લિકર ફ્રી ગણાતા સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ તથા મહારાષ્ટ્ર રાજ્યની સરહદને સ્પર્શતો જિલ્લો છે. દર વર્ષે 31મી ડિસેમ્બરે દમણની હોટેલોમાં, બાર એન્ડ રેન્સ્ટોરન્ટ માં દારૂની મહેફિલ માણવા પ્રવાસીઓ જતા હોય છે. જેમાંથી મોટાભાગના લોકો દારૂપીઈને ગુજરાતમાં પ્રવેશતા હોય છે. ગુજરાતમાં દારૂબંધી હોય દારૂ પી ને ગુજરાતમાં આવતા પ્રવાસીઓ સામે વલસાડ પોલીસ એક્શન મોડમાં આવી ગુજરાતના પ્રોહીબિશન એકટ હેઠળ કાર્યવાહી કરી છે.

વાપી ટાઉન પોલીસ મથક પીધેલાઓથી ઉભરાયું: આ અંગે વાપી ટાઉન પોલીસ મથક વિસ્તારમાં આવતા ડાભેલ ચેકપોસ્ટ, કચીગામ ચેકપોસ્ટ પર પોલીસ જવાનોએ ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં દમણ તરફથી ગુજરાતમાં આવતા વાહનોનું અને વાહન ચાલકો પાસે રહેલ માલસામાન નું ચેકીંગ કર્યું હતું. તેમજ બ્રેથ એનેલાઈઝર મશીનથી ચેકીંગ કરી આલ્કોહોલિક લોકોની અટકાયત કરી વાપી ટાઉન પોલીસ મથકે લઈ જવાયા હતાં. વાપી ટાઉન પોલીસ મથકે રાત્રીના 10 વાગ્યા સુધીમાં અંદાજિત 125 થી 150 પીધેલાઓ સામે કાર્યવાહી કરવા સાથે લોક અપ માં રાખવામાં આવ્યા હતાં. પોલીસ સ્ટેશન પીધેલાઓથી ભરાયું હોય પોલીસ સ્ટેશનમાં તીવ્ર દારૂની વાસ વહેતી થઈ હતી.

પીધેલાઓને છોડાવવા સગા -સંબંધીઓની ભીડ: તો બીજી તરફ પીધેલા પકડાયા બાદ તેમને છોડાવવા પોલીસ સ્ટેશન બહાર સગા સબંધીઓની ભીડ જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે દર વર્ષે દમણ, સેલવાસ કે મહારાષ્ટ્ર જેવા લિકર ફ્રી પ્રદેશ કે રાજ્યમા જઈ દારૂની મહેફિલ માણી મોટાભાગના શોખીનો કાર, બાઇક કે અન્ય વાહનો મારફતે ગુજરાતમાં પ્રવેશતા હોય છે. ગત વર્ષે વલસાડ પોલીસે જિલ્લામાં આવા 1990 પીધેલાઓ પકડ્યા હતા. એકલા વાપી ટાઉન પોલીસે જ 318 જેટલા પીધેલાઓને પકડ્યા હતાં. જો કે, આ વર્ષે આ ઝુંબેશમાં દમણ પોલીસનો પણ સહયોગ મળ્યો હતો પરંતુ પીધેલાઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો.