વાપી: કોરોના મહામારી અને લોકડાઉનના દિવસોમાં સમાજમાં અનેક માનવતાવાદી લોકો જોવા મળ્યાં છે. જેઓ સમાજ માટે યોગદાન આપી રહ્યાં છે. કોરોના-લોકડાઉનની આ કપરી ઘડીમાં આશાપુરા માનવ કલ્યાણ ટ્રસ્ટના નાનજી ગુર્જર નામના વ્યક્તિ ગરીબોને અનાજની કીટ આપી રહ્યાં છે. આ અંગે નાનજી ગુર્જરે જણાવ્યું હતું કે લોકડાઉન લાગુ થયા બાદ હજારો ગરીબ લોકો અટવાયા છે. કેટલાક વતન જઇ નથી શક્યા અને વાપીમાં યાત્રાળુ બની ગયા છે. આવા લોકો માટે સરકાર અને અનેક સંસ્થાઓ આગળ આવી છે.
લોકડાઉનમાં મોટેભાગે મજૂરવર્ગ વધુ હેરાન થઈ રહ્યો છે. તેઓ પોતે પણ એક મજૂર છે. પરંતુ રોજનું રોજ કમાઈને ખાનારા કરતા તે સક્ષમ છે. એટલે એવા લોકોને મદદ કરી રહ્યા છે. જ્યાં સુધી હજુ સરકાર કે સંસ્થાઓ પહોંચી નથી. આવા ગરીબોને શોધીને તેઓને અનાજની કીટ અને ફૂડ પેકેટ્સ આપી બનતી મદદ કરી રહ્યા છે.
નાનજી ગુર્જર આ કપરા સમયમાં વાપી માટે જ નહીં પરંતુ રાજસ્થાનમાં રાજસમન્દ જિલ્લામાં આવેલા પોતાના ગામ કાલિન્જરમાં પણ 250થી 300 જેટલી કીટ વાપીમાં રહીને તૈયાર કરાવી છે અને જરૂરિયાતમંદ પરિવારને વિતરણ કરાવી રહ્યાં છે. સાથે જ વાપીમાં પણ શ્રમિક પરિવારોને મદદરૂપ થઇ રહ્યા છે. અત્યાર સુધીમાં આવી 400 જેટલી કીટ તેમણે જરૂરતમંદ પરિવારમાં વિતરણ કરી છે. વાપીમાં તેમની સાથે તેમની કંચન ગંગા સોસાયટીના રહીશો પણ આગળ આવ્યા છે અને સાથે મળીને આ સેવાનું કાર્ય કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, વાપીમાં આજે ઉદ્યોગપતિ અને પર્યાવરણ પ્રેમી તરીકે જાણીતા નાનજી ગુર્જરે ભણવાની ઉંમરે રેલવે સ્ટેશને ચા વેચી છે અને વલસાડમાં ભેંસો ચરાવી છે. યુવાનીમાં લેથના કારખાનામાં કાળી મજૂરી કરી છે. આજે તનતોડ મહેનત અને પોતાની કોઠાસૂજથી સમાજમાં આગવી ઓળખ ઉભી કરી છે. દર વર્ષે તેઓ પોતાના આશાપુરા માનવ કલ્યાણ ટ્રસ્ટના નેજા હેઠળ 25,000 હજાર વૃક્ષો વાપીથી રાજસ્થાન લઈ જઈ તેનું વાવેતર કરી હરિયાળી ક્રાંતિ સર્જી રહ્યા છે.