વાપી : વાપીમાં એક રીક્ષાચાલક મહિલા સાથે અન્ય રીક્ષાચાલકે ગેરવર્તન કરી બિભત્સ ભાષાના શબ્દોનો પ્રયોગ કરવા સાથે પોલીસને અભદ્ર વર્તન સાથે અપશબ્દ કહ્યાં હતાં. આ ઘટનાનો વિડીઓ વાયરલ થયા બાદ પોલીસે રીક્ષાચાલકની સાન ઠેકાણે લાવવા સાથે જાહેરમાં ઉઠકબેઠક કરાવી હતી અને રીક્ષાચાલક મહિલાની માફી મંગાવી હતી.
પોલીસ સાથે પણ ગેરવર્તન :વાપી રેલવે સ્ટેશને એક મહિલા રીક્ષાચાલક સાથે ગીતાનગરના માથાભારે રીક્ષાચાલકે ગેરવર્તન કરી અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો. જેનો વિડીઓ વાયરલ થતા વાપી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી રીક્ષાચાલકની સાન ઠેકાણે લાવી લીધી હતી. વાપી ટાઉન પોલીસે ઘટના વિશે માહિતી આપી હતી કે વાપી રેલવે સ્ટેશન પર સેલવાસની મહિલા રીક્ષાચાલક પોતાના પારિવારિક સભ્યને લેવા આવી હતી. આ દરમિયાન મહિલા રીક્ષાચાલકે રેલવે સ્ટેશન સામે પોતાની રીક્ષા પાર્ક કરી હતી. ત્યારે વાપી ગીતાનગરમાં રહેતા અને રીક્ષા ચલાવતા આરીફ સૈયદ ઉર્ફે માંજરાએ મહિલા સાથે ગેરવર્તન કરી અભદ્ર ભાષાનો પ્રયોગ કરી દાદાગીરી કરી હતી.
રેલવે સ્ટેશન સહિતના વિસ્તારમાં અનેક મુસાફરો તેમજ શહેરીજનો સાથે ફરી આવી ઘટના ના બને તે માટે મહિલા સાથે ગેરવર્તન કરનાર રીક્ષા ચાલક સામે ફરિયાદ નોંધી છે. તેમજ રેલવે સ્ટેશન ગીતા નગર પોલીસ ચોકી ખાતે જાહેરમાં રીક્ષા ચાલકને ઉઠક બેઠક કરાવી પીડિત મહિલા પાસે માફી મંગાવી સખત કાર્યવાહી કરવામાં આવી છે. આવી કોઈપણ ઘટના ફરી બને તો ભોગ બનનાર પોલીસનો સંપર્ક કરશે તો તેને પોલીસ ન્યાય અપાવશે...સી. બી. ચૌધરી (વાપી ટાઉન પીઆઈ)
મહિલા સામે અભદ્ર વર્તન : રીક્ષાચાલક આરીફે મહિલા સામે પેન્ટનો બેલ્ટ ખોલી, ચેન ખોલી અભદ્ર ચેનચાળા કરવા સાથે પોલીસને અપશબ્દ કહી દાદાગીરી કરી હતી. તેની આ શરમજનક હરકતોનો ભોગ બનનાર મહિલાએ વિડીઓ ઉતારી વાયરલ કરવા સાથે પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. આ પ્રકારની ફરિયાદ થતાં જ વલસાડ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર વી. બી. બારડે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શનમાં ટીમ મોકલી હતી અને માથાભારે રીક્ષાચાલકને દબોચી લીધો હતો. ત્યાર બાદ પોલીસે સરભરા કરતાં તેને ઉઠક બેઠક કરાવી કાયદાનો પાઠ ભણાવ્યો હતો.
રીક્ષા ચાલક મહિલા સાથે અભદ્ર વર્તન કરવા સાથે ગંદા ચેનચાળા કર્યા હતાં. આ ઘટનાને ગંભીર ગણી તાત્કાલિક રીક્ષા ચાલકને ઝડપી તેમની સામે વાપી ટાઉનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આવી ઘટના ફરી ક્યારેય ના બને તે માટે પોલીસે કાર્યવાહી કરી છે...વી. બી. બારડ (એલસીબી પીઆઇ)
ગીતાનગર ચોકીમાં પાઠ ભણાવ્યો :મહિલા સાથે અભદ્ર વર્તન કરનાર રીક્ષાચાલક આરીફને વાપી એલસીબી ટીમે વાપી ટાઉન પોલીસના હવાલે કર્યો હતો. જ્યાં ટાઉન પોલીસ ઇન્સ્પેકટર સી. બી. ચૌધરીના માર્ગદર્શનમાં પોલીસ જવાનોએ ગીતાનગર ચોકી ખાતે જાહેરમાં રીક્ષાચાલકને ઉઠક બેઠક કરાવી ફરી આ રીક્ષાચાલક અન્ય સાથે આવું અભદ્ર વર્તન કે ચેનચાળા કરે નહીં તે માટે કડક કાર્યવાહી કરી હતી.
માથાભારે ગેંગનો રીક્ષાચાલક : ઉલ્લેખનીય છે કે મહિલા સાથે અભદ્ર વર્તન કરનાર રીક્ષાચાલક આરીફ માથાભારે શખ્સ છે. આ પહેલા પણ તેમણે અન્ય રીક્ષા ચાલકો સાથે તેમજ મુસાફરો સાથે આ પ્રકારે દાદાગીરી કરી છે. આરીફ ગીતાનગરમાં રહેતા અને ચોરીચપાટી કરતા ક્લ્લુ નામના ઇસમની ગેંગનો મેમ્બર હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. ત્યારે પોલીસે આ માથાભારે શખ્સ સામે કાયદાનો દંડો ઉગામી ધાક બેસાડતી કાર્યવાહી કરતા અન્ય રીક્ષાચાલકો, મુસાફરોએ રાહત અનુભવી હતી.