વલસાડ: સંઘપ્રદેશ સેલવાસના અને વાપી વિસ્તારના ઔદ્યોગિક એકમોમાં રાત્રી દરમિયાન સિક્યુરિટી ગાર્ડને ડરાવી ધમકાવી કિંમતી માલસામાનની ચોરી કરતી ગેંગને વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ઝડપી પાડી જિલ્લામાં થયેલી ધાડ-લૂંટનો અને સેલવાસની 4 ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. કાર-બાઇક અને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપાયેલા તમામ આરોપીઓએ કબૂલાત કરી છે કે, તેઓ સેલવાસ અને વલસાડની અનેક કંપનીમાં ચોરી કરી ચુક્યા છે.
વલસાડ પોલીસે કંપનીઓમાં લૂંટ કરતી ગેંગના 11 સભ્યોની કરી ધરપકડ વાપી નજીક આવેલા તંબાડી ખાતે કંપનીમાં લૂંટના ઇરાદે ઘુસ્યા હતા. જેમાં વોચમેને હવામાં ફાયરિંગ કરી પ્રતિકાર કરતા નાસી છૂટ્યા હતાં. વલસાડ એલસીબી દ્વારા આ ચોર ટોળકીને વાપી નજીકના તંબાડી ગામ નજીકથી દબોચ્યા હતાં. ચોર ટોળકીને પોલીસે દાદરા નગર હવેલી પાર્સિંગની કાર અને બાઇક સાથે ઝડપી પાડી આધાર પુરાવા માંગતા તે રજૂ કરી શક્યા નહોતા. જેથી વધુ શંકાના આધારે કારની ડીકી અને સીટ ઉપર પડેલા સામાનના બિલો માંગતા આરોપીઓ પાસે તે પણ નહોતા અને આ માલ ચોરીનો હોવાનું જણાતા તમામની અટક કરી વાપી LCB ઓફિસે લઇ આવી કડક પૂછપરછ કરી હતી. જેમાં આરોપીઓએ કરેલી ચોરીના ગુનાઓને કાબુલ્યા હતાં. જેથી પોલીસે તેમની કાર-બાઈક અને 10 નંગ મોબાઈલ મળી 4.80 લાખના મુદ્દામાલ સાથે અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા ડુંગરા પોલીસ સ્ટેશનને હવાલે કર્યા છે.
પોલીસના હાથે ઝડપાયેલા 11 આરોપીઓ એક સાથે લૂંટ કે ચોરી કરવા જતાં હતાં. જેથી સામે વાળા તેમનો પ્રતિકાર કરવાને બદલે ડરી જતા હતાં, અને આરોપીઓ ચોરી-લૂંટ-ધાડ જેવા ગુનાને અંજામ આપતા હતાં. આ ગેંગ પોતાની પાસે હથિયાર પણ રાખતા હતા. જે હથિયારથી પણ લોકોને ડરાવતા હતાં.