વલસાડ જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીએ જણાવ્યું હતું કે પોલીસ તરફથી ચુકાદા પહેલા જ આગોતરી તૈયારી કરવામાં આવી હતી. જે દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં શાંતિ સમિતિ અને મહોલ્લા કમિટીનું આયોજન કરી લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. જે બાદ શનિવારે ચુકાદાને ધ્યાને રાખીને જિલ્લાના મુખ્ય શહેરો અને સંવેદનશીલ વિસ્તારોમાં ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
વલસાડ જિલ્લામાં અયોધ્યા ચુકાદાને લઇને ગોઠવવામાં આવેલા બંદોબસ્તમાં જિલ્લાના 4 DYSP, 10 PI, 35 PSI સહિત GRD, TRD, SRD, હોમગાર્ડ જવાનોને વિવિધ વિસ્તારોમાં ખડે પગે રખાયા હતાં. કોઈ પણ ગંભીર ઘટના ન બને તે માટે સતત ચાંપતી નજર રખાઈ હતી. પોલીસ બંદોબસ્તમાં પોલીસ કર્મચારીઓ ઉપરાંત વ્રજ અને વરુણને પણ બંદોબસ્ત હેઠળ તેનાત કરવામાં આવ્યા હતાં. હાલ કોઇપણ વ્યક્તિની અટકાયત કરવામાં આવી નથી. જિલ્લાના તમામ વિસ્તારમાં શાંતિનો માહોલ હોવાનું વલસાડ જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું.
વધુમાં સોશિયલ મીડિયા અંગે સુનિલ જોશીએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા માટે પણ ખાસ ટેકનિકલ સેલ બનાવી નજર રખાઈ રહી હતી.