- વલસાડ જિલ્લામાં 30 કલાકમાં સરેરાશ 6 ઇંચથી વધુ વરસાદ
- નારગોલ ગામે આંગવાડીનું છાપરું તૂટ્યું
- જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો 10 ઇંચ આસપાસ વરસાદ નોંધાયો
વાપી: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ ગામે આવેલી નવાતળાવ આંગણવાડીના મકાનનું છાપરું તૂટી પડવાની ઘટના બની છે. ભારે વરસાદના કારણે 17 વર્ષ જૂના આ મકાનની દીવાલમાં તિરાડ પડવાથી મકાનનું છાપરું રાત્રીના સમયે ધડાકે ભેર તુંટી પડ્યું હતું. જો કે, વલસાડ જિલ્લામાં ગુરુવારથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે 30 કલાકમાં અંદાજિત 6 ઇંચથી પણ વધુ વરસાદ વલસાડ જિલ્લામાં વરસ્યો છે.
નારગોલ ગામે 2 આંગણવાડી ક્ષતિગ્રસ્ત
વરસાદની ઋતુ શરૂ થયા બાદ નારગોલ ગામે બે જેટલી આંગણવાડી ક્ષતિ પામતા ક્ષતિગ્રસ્ત આંગણવાડીના સ્થળે નવી આંગણવાડી ફાળવવા ગામની મહિલા અગ્રણી તેમજ ઉપસરપંચ સ્વીટી ભંડારીએ તંત્રને રજૂઆત કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. ગામના સરપંચ કાંતિલાલ કોટવાલે ક્ષતિગ્રસ્ત આંગણવાડીની મુલાકાત લીધી હતી.
આ પણ વાંચો: વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકામાં કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતાતુર
ગત વર્ષેમાં જશોદા એવોર્ડ મેળવ્યો હતો
ગત વર્ષે આ આંગણવાડીના કાર્યકર બહેને જિલ્લા કક્ષાનો પ્રથમ "માં જશોદા એવોર્ડ" પ્રાપ્ત કર્યો હતો. હવે આ આંગણવાડી ક્ષતિ પામતા 30થી વધુ બાળકોના અભ્યાસ ઉપર સીધી અસર થશે જેથી વહેલી તકે નવા મકાનની ફાળવણી થાય એવી માગ વાલીઓમાં પણ જોવા મળી રહી છે.
જિલ્લામાં 24 કલાકમાં નોંધાયેલો કુલ વરસાદ
વલસાડ જિલ્લાના વાપી સહિત ઉમરગામમાં ધીમીધારે છેલ્લા 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. વલસાડ જિલ્લામાં ગુરુવારે સવારે 6 વાગ્યાથી શુક્રવારના સવારના 6 વાગ્યા સુધીમાં વલસાડમાં 133mm, પારડીમાં 118mm, ઉમરગામમાં, 101mm, વાપીમાં 51mm, ધરમપુરમાં 16mm, કપરાડામાં 05mm વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો: આગામી સપ્તાહમાં દક્ષિણ ગુજરાતના નવસારી, તાપી અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદ પડશે
જિલ્લામાં સિઝનનો નોંધાયેલો કુલ વરસાદ
જ્યારે શુક્રવારે બપોરના 12 વાગ્યા સુધીમાં જિલ્લાના તાલુકા મુજબ સિઝનનો કુલ વરસાદ જોઈએ તો પારડી તાલુકામાં સૌથી વધુ 9.10 ઇંચ, વલસાડ તાલુકામાં 8.74 ઇંચ, ઉમરગામ તાલુકામાં 8.23 ઇંચ, વાપી તાલુકામાં 6.80 ઇંચ, કપરડામાં 6 ઇંચ જ્યારે ધરમપુરમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. આ તરફ દાદરા નગર હવેલી દમણમાં પણ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. દાદરા નગર હવેલીના સેલવાસમાં સિઝનનો 6.5 ઇંચ જ્યારે ખાનવેલમાં સિઝનનો 10 ઇંચથી વધુ વરસાદ પડી ચુક્યો.