વલસાડ: વૈશ્વિક મહામારી કોરોનાએ સમગ્ર દુનિયા ચપેટમાં લીધી છે. ત્યારે સોશિયલ ડિસ્ટન્સ જાળવીને કામ કરતા લોકો ડિજિટલ યુગ તરફ આગળ વધી રહ્યા છે. દરેક ચીજોની આંકડાકીય માહિતી કે, દરેક વસ્તુની માહિતી ઈન્ટરનેટ માધ્યમથી લોકોને મળી રહે છે. જેમાં સરકાર પણ પાછળ નથી. પરંતુ વલસાડ જિલ્લા પંચાયત આ સમગ્ર બાબતમાં જાણે 4 વર્ષ પાછળ ચાલી રહી હોય એવું જણાઈ રહ્યું છે.
હવે જ્યારે ચોમસું આવી રહ્યું છે. ખેડૂતોને વલસાડ જિલ્લા પંચાયત ખેતીવાડી વિભાગની વિગતો ડિજિટલ માધ્યમના ઉપયોગથી જિલ્લા પંચાયતની વેબસાઈટ પરથી મેળવી શકે છે. પરંતુ જિલ્લા પંચાયત ખેતીવાડી વિભાગ દ્વારા મૂકવામાં આવેલી જિલ્લાના વાવેતરને લગતા આંકડા અંગેની વિગતો છેલ્લે 2017માં અપડેટ કર્યા બાદ આજે 4 વર્ષ થયાં છતાં કોઈ અધિકારીએ રસ સુધ્ધાં ન દાખવતા કોઈ પણ જાતની વિગતો અપડેટ કરવામાં આવી નથી. જો ખેડૂતો 2019ની માહિતી જોઈએ તો પણ મેળવવી મુશ્કેલ છે.
વેબસાઈટ ઉત્સાહમાં બનાવી, પરંતુ છેલ્લા 4 વર્ષથી તેમાં કેટલાક વિભાગોમાં માહિતી અપડેટ કરવામાં આવી નથી. તે ધ્યાન પર આવ્યું છે, ત્યારે શું નવા આવેલા જિલ્લા કલેક્ટર આ બાબતે ધ્યાન આપી લોકોને સાચી અને સચોટ માહિતી મળે એવી વ્યવસ્થા ઉભી કરાવશે ખરા?
નોંધનિય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરવા ઉપર ભાર મૂકી રહ્યા છે. ત્યારે વલસાડ જિલ્લા પંચાયત વિભાગ જ છેલ્લા 4 વર્ષથી ડિજિટલ માધ્યમ પર આંકડાઓ અપડેટ કરવામાં બેદરકારી દાખવી રહ્યા છે. ત્યારે વલસાડ જિલ્લાના યુવા ખેડૂતો જે ડિજિટલ માધ્યમ દ્વારા આંકડાઓ મેળવીને ખેતી કરતા હોય તેઓ હાલ ખૂબ મુંઝવણમાં મૂકાયા છે.