વલસાડઃ જિલ્લામાં દિન પ્રતિદિન વધી રહેલા કોરોના પોઝિટિવ આંક બાદ 7 સપ્ટેમ્બર રવિવારના રોજ 8 કોરોના પોઝિટિવ કેસ સામે આવતા કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 1,016 થઈ છે. જ્યારે રવિવારના રોજ 2 લોકોને રજા આપવામાં આવી છે. જેમાં 81 વર્ષીય વૃદ્ધનો પણ સમાવેશ થાય છે.
વલસાડ જિલ્લામાં કોરોનાને પહોંચી વળવા વહીવટી તંત્ર દ્વારા 35 ધન્વંતરિ રથનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમના દ્વારા વિવિધ સ્થળે જઈને લોકોની આરોગ્યની તપાસ કરવામાં આવી રહી છે. જો કે તેમ છતાં પણ કોરોનાનો આંક વધી રહ્યો છે. વલસાડમાં 5, પારડીમાં 1 અને વાપીમાં 1 એમ કુલ 7 પુરૂષ અને વલસાડની 1 મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
મહત્વની વાત છે કે, સરકારી આંકડા મુજબ જિલ્લામાં કુલ 1,016 કોરોના પોઝિટિવ આંક પહોંચ્યો છે. હાલ કુલ 90 કોરોના સંક્રમિત દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં 815 કોરોના દર્દી સ્વસ્થ થયા છે, તેમજ 9 કોરોના દર્દીના મોત થયા છે. હવે સવાલ એ થાય છે કે, આ આંકડામાં 102 દર્દીઓ ઓછા છે. આ કોરોના સંક્રમિત દર્દીઓનું શું થયું? એ બાબતે તંત્ર વિગતો છૂપાવી રહ્યું છે.