વલસાડ: ઘટનાની વિગત એવી છે કે, કોરાના વાયરસે સમગ્ર દેશને ભરડામાં લેતા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉન જાહેર કર્યુ છે. પ્રકાશસિંહ તેમના ભત્રીજાને મળવા વાપી જી.આઇ.ડી.સી ખાતે દોઢ માસ અગાઉ આવ્યાં હતાં. તેમજ અહીંયા જ રોકાયા હતા. જ્યારે રાજસ્થાન જવાનું નકકી કર્યુ ત્યારે લોકડાઉન જાહેર થઇ જતા ભત્રીજાને ત્યાંજ રહેવું મુનાસીબ સમજ્યા.
પ્રકાશસિંહની તબીબી સારવાર ચાલુ છે. જેથી નિયમિત દવા લેવી અનિવાર્ય છે, પરંતુ દવા પુરી થતાં તેઓ મુશ્કેલીમાં મૂકાયા હતા. આ દવા વલસાડ-વાપીમાં તપાસ કરતાં મળી ન હતી. જેથી તેમનું જીવન મુશ્કેલીમાં મુકાય તેમ હતું. શું કરવું એ સમજ પડતી ન હતી. પ્રકાશસિંહે રાજસ્થાનના સ્થાનિક ધારાસભ્યને જાણ કરી અને રાજસ્થાન સરકારે ત્યાંના નોડલ અધિકારીને ફોન કરી સઘળી વિગત જણાવી હતી. રાજસ્થાનના સરકારી તંત્ર દ્વારા ગુજરાત સરકારને જાણ કરવામાં આવી હતી.
જિલ્લા કલેકટર સી.આર.ખરસાણ જણાવ્યા અનુસાર, નર્મદા વોટર રિસોર્સ વોટર સપ્લાયના સેક્રેટરી ધનંજય દ્વિવેદીનો વોટસઅપ મેસેજ આવતાની સાથે પ્રાંત અધિકારી જયોતિબા ગોહિલને વ્યવસ્થા કરવા સુચના આપી હતી. પ્રકાશસિંહને જરૂરી વ્યવસ્થા વહીવટીતંત્ર દ્વારા પુરી પાડવામાં આવી છે. પ્રાંત અધિકારી જણાવે છે કે, કલેકટર સાહેબે જાણકારી આપતા તરત જ પ્રકાશસિંહનો સંપર્ક કરી સઘળી વિગતો મેળવી તેમની જરૂરી દવાની વ્યવસ્થા સુરતથી કરવામાં આવી હતી. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલના ડૉકટર સાથે ટેલીકોલિંગ કરાવી જરૂર પડયે સિવિલ હોસ્પીટલમાં સારવારની જરૂરીયાત હોય તો પુરી પાડવાની ખાતરી આપી હતી.
ભગવાન પણ રૂબરૂ કંઇ નથી આપી શકતો, એ માણસરૂપી ભગવાને મને દવા પુરી પાડી છે. જીંદગીભર ના ભૂલાય એવો અહેસાન કર્યો છે. ગુજરાત સરકાર અને વલસાડ વહીવટીતંત્રને જેમણે મારી મુશ્કેલી દુર કરી, કોવિડ-19 જેવી મહામારી સમયે વલસાડના કર્મયોધ્ધાઓને શત્ શત્ નમન કરૂ છુ, આ શબ્દો હતા, રાજસ્થાનના પાલી જિલ્લાના માંડલ ગામના રહેવાસી અને લોકડાઉનમાં વાપી ખાતે રોકાયેલા પ્રકાશસિંહ સમર્થસિંહ રાજપુરોહિતના આ અંગે વધુમાં પ્રકાશસિંહ રાજપુરોહિત જણાવે છે કે, આ દવા વગર મારૂ જીવન શકય ન હતું. આ દવાના કારણે હું સ્વસ્થ જીંદગી જીવી રહ્યો હતો. મારા રોકાણના દિવસો મુજબની પુરતી દવાનો જથ્થો હતો, પરંતુ લોકડાઉન જાહેર થતાં મારા માટે મુશ્કેલી સર્જાઇ હતી. દવા માટે પોતાની સારવાર કરતા પાલનપુરના ડૉકટરનો સંપર્ક કરતા તેમણે સુરત ખાતેથી દવા મળી રહેશે તેમ જણાવ્યું હતું, પરંતુ લોકડાઉનમાં સુરત જવું મુશ્કેલ હતું. વહીવટી તંત્ર મસીહા બનીને મારી મદદે આવ્યું. જેમને અભિનંદન પાઠવી ધન્યતા અનુભવું છું.