- ચીન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરને લઈને મદદરીયે અનેક જહાજોને રોકવામાં આવ્યા હતા
- 1 વર્ષથી રોકી રખાયેલા બે જહાજોમાં વલસાડ જિલ્લાના બે યુવકો ફસાયા
- એમ.વી.જગ આનંદ અને એમ.વી એન્ટાસિયા નામના જહાજોને પણ રોકી દેવામાં આવ્યાં હતા
વલસાડઃ ચીન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરને લઈને મદદરીયે અનેક જહાજોને રોકી દેવામાં આવ્યાં છે. જેને લઈને એમ.વી.જગ આનંદ અને એમ.વી એન્ટાસિયા નામના જહાજોને પણ રોકી દેવામાં આવ્યાં હતા. જેમાં તમામ ભારતીય ક્રુ મેમ્બરો સવાર હતા. વલસાડ જિલ્લાના પારડી ખાતે રહેતા અશ્વિન ટંડેલ અને કોસંબા ખાતે રહેતા રાજેશ ટંડેલ પણ આ શિપમાં ક્રુ મેમ્બરોમાં સમાવેશ થાય છે.
ક્રુ મેમ્બરોએ મદદ માટે વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો
આ સમગ્ર બાબતે તમામ ક્રુ મેમ્બરોએ મદદ માટેનો વીડિયો બનાવીને વાઇરલ કર્યો હતો. જેમાં તમામ છેલ્લા 12 મહિનાથી આ શિપમાં ફસાયા હોય જેથી હવે તેઓ ઘરે પરત ફરવા માટે ગુહાર લગાવી રહ્યા છે. વલસાડના કોસંબા મારુતિ નગર ખાતે રહેતા રાજેશ ટંડેલના પરિવારજનો સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, રાજેશ છેલ્લા ઘણા મહિનાથી ચીનમાં ફસાયો છે. જેથી હવે જલ્દી તેઓ ઘરે પરત ફરે એ માટે સરકારને વિનંતી કરી રહ્યાં છે.
ક્રુ મેમ્બરો હેમખેમ ઘરે આવે એવી પરિવારજનોએ કરી માંગ
શીપ પર ગયેલા પરિવારને જ્યારે સમગ્ર બાબતે પૂછપરછ કરાઈ તો તેમણે કેમેરા સમક્ષ આવવાની ના પાડી જણાવ્યું કે, તેમના સ્વજનો જ્યાં કામ કરે છે એ કંપની વિરુદ્ધ કાઈ પણ જાહેરમાં બોલી શકાય એમ નથી. જો તેમ કરવામાં આવે તો પાછળથી અન્ય કંપનીઓ દ્વારા તેમને શિપ ઉપર પરત નોકરી આપવામાં મુશ્કેલીઓ ઉભી થઇ શકે છે. હાલ તો ટ્રેડ વોર ને પગલે મધ દરિયે રોકાયેલા બન્ને જહાજોમાં વલસાડ જિલ્લાના બે ક્રુ મેમ્બરો ફસાયા છે. જેમના પરિવારજનો તેઓ પરત હેમખેમ ઘરે આવે એવી માંગ કરી રહ્યાં છે.