- વરસાદ શરૂ થતાની સાથે જ અહીં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠે છે
- નદી-નાળા અને નાના ઝરણાઓ વહેતા થતા પર્યટકો આકર્ષાયા
- રવિવારના દિવસે મોટી સંખ્યામાં પર્યટકો ઉમટી પડ્યા
વલસાડ : કોરોનાની ગાઈડલાઈનમાં સરકારે છૂટછાટ આપવાની સાથે જાહેર સ્થળો ખુલ્લા મૂક્યા છે. જેને પગલે હવે દરેક જગ્યા ઉપર લોકો પોતાના પરિવાર સાથે સરળતાથી હરી ફરી શકે છે. આવા સંજોગોમાં હવે વરસાદ શરૂ થતા અનેક લોકો સોળે કળાએ ખીલી ઊઠેલી પ્રકૃતિને નિહાળવા ગ્રામ્ય વિસ્તારો તરફ દોડી જાય છે. એમાં પણ ખાસ કરીને સુરતીલાલાઓ મોટી સંખ્યામાં આવા સ્થળોએ ઉમટી પડે છે. જેમાનું એક સ્થળ છે, ધરમપુર ખાતે આવેલું 'વિલ્સન હિલ' જ્યાં શનિ-રવિની રજાઓમાં મોટી સંખ્યામાં સુરતીલાલાઓ ઉમટી પડે છે.
છેલ્લા કેટલાક મહિનાઓથી 'વિલ્સન હિલ' પર પ્રતિબંધ મૂકાયો હતો
વલસાડ જિલ્લામાં કોરોનાના કેસ વધતા જાહેર સ્થળો ઉપર લોકોને જવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જેમાં 'વિલસન હિલ'નો પણ સમાવેશ થાય છે. જોકે, સરકાર દ્વારા લાદવામાં આવેલા નિયંત્રણો ખૂલતાની સાથે જ ધરમપુરથી 35 કિલોમીટર દૂર આવેલા 'વિલસન હિલ' પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. તેમાં પણ શનિ-રવિવારની રજાઓમાં એટલી હદે લોકો આવી પહોંચ્યા હતા કે, પાર્કિંગની સમસ્યા પણ ઉભી થઈ હતી.