વલસાડ જિલ્લાની A-વર્ગની ગણાતી વાપી નગરપાલિકાના વિવાદાસ્પદ બનેલા ચીફ ઓફિસર દર્પણ ઓઝાએ ચૂંટણીલક્ષી આચારસંહિતાની કામગીરીમાં ગંભીર બેદરકારી દાખવી હોવાનું બહાર આવ્યું છે. વાત એમ છે કે, વાપી નગરપાલિકાના ચીફ ઓફિસર અને ચૂંટણીમાં નોડેલ ઓફિસર તરીકે ફરજ બજાવતાં દર્પણ ઓઝાએ ચૂંટણીલક્ષી કામગીરી જાતે કરવાને બદલે તેમના તાબા હેઠળનાં કર્મચારી રિતેશ વાળંદ પાસે કરાવી તથા તેમના તારીખ 12-03-2019 સુધીનાં રિપોર્ટિંગ જાતાં તેમનાં કર્મચારી રિતેશ વાળંદે પત્રક પરની તારીખ બદલવાની તસ્દી લઇ અહેવાલની હાર્દરૂપી માહિતી જેવી કે પત્રક મસીસી-2 અને મસીસી-3 રિપોર્ટમાં માત્ર તારીખનો બદલાવ કરી એક સમાન રિપોર્ટિંગ કર્યું હોવા ઉપરાંત આ રિપોર્ટ પર નોડેલ ઓફિસર તરીકે દર્પણ ઓઝાએ સહી કરવાનું પણ મુનાસીબ માન્યું ન હતું.
આમ, ચૂંટણી જેવી ગંભીર કામગીરી બાબતે પણ તેઓ પાસે તેમના રિપોર્ટિંગ પર સહી કરવા માટે પણ સમય ન હોવાની નોડેલ ઓફિસર ચૂંટણી આચાર સંહિતા અને નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ ગંભીર નોંધ લઇ વાપી નગરપાલિકાના નોડેલ ઓફિસર અને ચીફ ઓફિસર દર્પણ ઓઝાને ગુરુવારના રોજ એક કારણ દર્શક નોટીસ પાઠવી 24 કલાકમાં તેમની સામે RP ઍકટ-1951 હેઠળ કાર્યવાહી કેમ નહી કરવી એવી સ્પષ્ટતા માંગી હતી, અને તેમની સામે પગલાં ભરવાં જિલ્લા ચૂંટણી અધિકારીને દરખાસ્ત કેમ ન કરવી તેનો ખુલાસો પણ 24 કલાકમાં કરવા જણાવતાં વલસાડ જિલ્લામાં ચૂંટણીલક્ષી કામગીરી બજાવતાં કર્મચારીઓમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.