- બેન્કના સભાસદોને એક મત માટે 500 રૂપિયા આપ્યા
- રૂપિયા આપતો વીડિયો- ફોટા વાયરલ થયા
- પારડી- વાપીમાં ઉમેદવારોએ સભાસદોને મત દીઠ રૂપિયા આપ્યા?
વલસાડ: જિલ્લાની પ્રતિષ્ઠિત SBPP બેન્કની 18 બેઠકો માટે રવિવારે મતદાન યોજાયું હતું. આ ચૂંટણી જંગમાં એક તરફ ભાજપ પ્રેરિત સહકાર પેનલ છે. તો બીજી તરફ બિન રાજકીય પેનલના ઉમેદવારો વચ્ચે સીધો જંગ છે, ત્યારે વાપી અને પારડી સહિત અનેક બૂથ બહાર સહકાર પેનલના કીટલીના ઉમેદવારોનો રૂપિયા વહેંચતો વીડિયો વાયરલ થતા ચકચાર મચી હતી.
રવિવારે સાંજે કુલ 10 મતદાન મથકોનું મળીને 51.04 ટકા મતદાન નોંધાયું
18 બેઠકો માટે કુલ 37 ઉમેદવારો મેદાનમાં હતાં. જેમાં સહકાર પેનલ અને બિન રાજકીય પેનલ વચ્ચે સીધો જંગ હતો. રવિવારે સાંજે કુલ 10 મતદાન મથકોનું મળીને 51.04 ટકા મતદાન નોંધાયું હતું, ત્યારે મતદાન દરમિયાન મતદારોને મત દીઠ 500 રૂપિયા વહેંચ્યા હોવાના ફોટા- વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રાજકારણ ગરમાયુ હતું.
જાગૃત નાગરિકે વીડિયો ઉતારી વાયરલ કર્યો
મળેલી માહિતી મુજબ સ્થાનિક જાગૃત નાગરિકે સમગ્ર ઘટનાનું પોતાના મોબાઈલમાં વીડિયો રેકોર્ડિંગ કરીને તે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, સરદાર ભીલાડવાળા પારડી પીપલ્સ કો- ઓપરેટિવ બેન્કની ચૂંટણીમાં બિનરાજકીય પેનલ અને સહકાર પેનલ વચ્ચે સીધો મુકાબલો છે. કુલ 18 બેઠકો માટે બેન્ક પેનલના મળી કુલ 37 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. આ ચૂંટણીમાં સૌથી રોમાંચક મુકાબલો વાપી જીઆઇડીસીની બેઠક પર થયો છે અને રૂપિયા વહેંચતો વીડિયો પણ વાપી GIDC અને પારડી વિસ્તારનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો કે, હાલ આ અંગે સત્તાવાર કોઈ વિગતો મળી નથી.
આ પણ વાંચો : 91 વર્ષ જૂની SBPP બેંક પર ચોક્કસ લોકોના કબ્જાથી શાખ વધી, પણ શાખા માત્ર 11 જ રહી