વલસાડઃ અત્યાર સુધી કોરોનાથી બાકાત રહેલો વલસાડ જિલ્લો પણ હવે કોરોના વાઈરસની ઝપેટમાં આવી ગયો છે. જિલ્લામાં ઉમરગામ તાલુકાના દેહરીમાંથી એક કેસ અને વલસાડ નજીકના ડુંગરીમાથી એક કેસ એમ કુલ 2 કોરોના દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા વહીવટીતંત્ર દોડતું થયું છે. દેહરીના યુવકને વાપીની જનસેવા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો છે.
જિલ્લામાં કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ સામે આવ્યો છે. જિલ્લાના ઉમરગામ તાલુકાના દેહરી ગામે રહેતા સાગર અશોક માંગેલા નામના 30 વર્ષીય યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દર્દીને વાપીની જનસેવા હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. સાથે જ તેના સંપર્કમાં આવેલા લોકોની તપાસ કરી તેઓના રિપોર્ટ ચેક કરવા વહીવટીતંત્રે કામગીરી શરૂ કરી છે.
દહેરી ગામના યુવાનનો રિપોર્ટ આવ્યો કોરોના પોઝિટિવ મળતી વિગતો મુજબ, કોરોના પોઝિટિવ આવેલા દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રીમાં તે મુંબઈમાં ફિશરિંગનું કામ કરતો હતો. 2 મહિના અગાઉ પોતાના વતન ઉમરગામ નજીક દહેરી ગામે આવેલો હતો. જ્યાં તે 1 મહિનાથી ક્યાંય બહાર ગયો નહોતો. તેમ છતાં તેને અચાનક ખાંસી અને અન્ય લક્ષણો દેખાતા તેને વાપીની જનસેવા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા વહીવટીતંત્ર દોડતું થયું છે.વાપીમાં જનસેવા હોસ્પિટલમાં અત્યાર સુધીમાં વાપી તાલુકા અને ઉમરગામ તાલુકાના મળી કુલ 51 દર્દીના ટેસ્ટ કરાયા છે. જેમાં ગઈ કાલે ઉમરગામ તાલુકાના દહેરી ગામના યુવાનનો કેસ પોઝિટિવ આવ્યો છે. એ ઉપરાંત મળતી વિગત મુજબ વલસાડ જિલ્લાના ડુંગરી ગામે પણ એક હોમગાર્ડમાં ફરજ બજાવતા યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વહીવટીતંત્રે પોઝિટિવ આવેલા દર્દીને મળેલા લોકોને કવોરંટાઇન કરવાની કામગીરી હાથ ધરી છે.