ધરમપુર તાલુકામાં આવેલાં પીપરોળ ગામમાં રહેતાં રામુભાઈ પસાર્યાને ઈન્દિરા આવાસ યોજનાનો લાભ 2013-14માં મળ્યો હતો. તેમના બેન્ક એકાઉન્ટમાં તાલુકા પંચાયત દ્વારા 12 સપ્ટેમ્બર 2013ના રોજ રૂપિયા 17,500 અને 2014માં 18 જૂને 42 હજાર રૂપિયાના બે હપ્તા ચૂકવાયા હતાં. આમ, સરકારી ચોપડે રામુભાઈને આ યોજનાનો લાભ મળ્યો હોવાનું બતાવવામાં આવી રહ્યું છે. જ્યારે રામુભાઈ પોતે આ વાતને લઈ અજાણ હોવાનું જણાવી રહ્યાં છે.
રામુભાઈએ આ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, પત્ની ખાલીબેનને જાણ થઈ હતી કે તેઓને આવાસ યોજના હેઠળ સરકારી લાભ મળ્યો છે અને તેમના બેન્ક ખાતામાં રૂપિયા 30,000 જમા થયા છે. ત્યારબાદ તેમણે આ રકમનો ઉપયોગ ઘરના સમારકામમાં કર્યો હતો. હવે અચાનક આ રકમ પરત મેળવવા માટે તલાટી કમ મંત્રી દ્વારા તેમને નોટીસ પાઠવવામાં આવી છે. ત્યારે તેમણે જાણ થઈ કે, આ રકમ ભૂલથી તેમના ખાતામાં જમા થઈ હતી.
આ ઘટનાની તપાસ સામે આવતાં તેમને ખબર પડી કે, તેમને તો વર્ષ 2013-14માં જ તેમને આવાસ યોજનાનો લાભ મળી ગયો હતો. તેમજ તેમના ખાતામાં બે વખતના હપ્તા પણ ચૂકવવામાં આવ્યાં હતાં. આ ચોંકાવનારી વિગત સામે આવતાં રામુભાઈએ કહ્યું હતું કે, "મારા ખાતામાં પૈસા જમા થયા તેની મને કોઈ જાણ જ નથી. મેં સરકારી કચેરીમાં મારા તમામ દસ્તાવેજ આપ્યાં હતા.હું ભણેલો નથી, એટલે અધિકારીઓએ મારા દસ્તાવેજનો શું ઉપયોગ કર્યો તેની મને કોઈ જાણ નથી."
આ રીતે સરકારી ચોપડે રામુભાઈએ આ યોજનાનો લાભ લીધો હોવાની બતાવવામાં આવી રહ્યું છે. પરંતુ હકીકતમાં તેઓ આ યોજનાથી વંચિત હોવાનું જણાવી રહ્યાં છે. ત્યારે એ સવાલ ઉભો થાય છે કે, 2013-14માં રામુભાઈના ખાતામાં જમા થયેલાં પૈસા ગયા તો ગયા ક્યાં??
આમ, આ ઘટનાના કારણે રામુભાઈ હાલ ભારે હાલાકી વેઠી રહ્યાં છે. ત્યારે તંત્ર રામુભાઈને પૈસા પરત કરવા માટેનું દબાણ કરી રહ્યું છે. જેથી તેમણે ન્યાય મેળવવા માટે જિલ્લા કલેક્ટરને લેખિત અરજી કરીને સમગ્ર ઘટનાની જાણ કરી છે. સાથે જ વહેલામાં વહેલી તકે આ અંગે તપાસ કરવાની માગ કરી છે. જો તંત્ર દ્વારા આ અંગે કોઈ ન્યાયી પગલા લેવામાં નહીં આવે તો, રામુભાઈએ સહપરિવાર આત્મવિલોપન કરવાની ચિમકી ઉચ્ચારી છે.