વલસાડ: અતુલ નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વલસાડ પોલીસને મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી હતી. તે દરમિયાન જ બાતમી વાળી કાર બલેનોની પોલીસે તપાસ કરતાં કારમાં માત્ર બે યુવતીઓજ સવાર દેખાઈ હતી. આથી પોલીસે બંને યુવતીની પૂછપરછ કરી હતી. જેમાંથી એક યુવતી અમદાવાદના નારણપુરામાં રહેતી હેતલ રાજેન્દ્ર ભટ્ટ અને બીજી યુવતી આરતી ઈશ્વરભાઈ ગોસ્વામી જામનગરની હોવાનું બહાર આવ્યું છે. બંને બહેનપણીઓ છે. તેેમજ બંને ફોટોગ્રાફીના ધંધા સાથે સંકળાયેલ છે. જોકે, પોલીસે કારની તપાસ કરતા કારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો મળી આવ્યો હતો.
પોલીસે કારમાં ભરેલી 216 બોટલ વિદેશી દારૂનો જથ્થો જેની કિંમત 31200 રૂપિયા સાથે બન્ને યુવતીઓની અટકાયત કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં પૂછપરછ દરમિયાન આ યુવતીઓએ કબૂલ્યું હતું કે, તેઓ ફોટોગ્રાફીના ધંધા સાથે સંકળાયેલી હતી. પરંતુ કોરોનાના કારણે લોકડાઉનમાં ફોટોગ્રાફીનો ધંધો ઠપ થઇ ગયો હતો. આથી પરિવાર આર્થિક સંકડામણમાં મુકાઇ ગયો હતો અને કારના હપ્તા ભરવાના અને ઘર ચલાવવા માટે આર્થિક સંકળામણ અનુભવી રહી હોવાથી બંને યુવતીઓએ સાથે મળીને આ રીતે પૈસા કમાવાનું વિચાર્યું હતું. બંનેએ પ્લાનિંગ કરી મહારાષ્ટ્રમાંથી વિદેશી દારૂ લાવી અને અમદાવાદમાં સપ્લાય કરવા નક્કી કરી મહારાષ્ટ્ર પાલઘરની એક બજારની દુકાનમાંથી દારૂનો મોટો જથ્થો ખરીદ્યો હતો. ત્યારબાદ તેને કારમાં લઈ અને અમદાવાદ તરફ આવી રહી હતી. તે દરમિયાન વલસાડ પોલીસે અતુલ નજીકથી બંને યુવતૂને દારૂ સાથે ઝડપી પાડી હતી.
આમ, ફોટોગ્રાફીનો ધંધો બંધ થઈ જતા દારૂની ખેપ મારતા પોલીસના હાથે ઝડપાઇ ગઈ હતી. આથી પોલીસે બંને યુવતીઓની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે સમગ્ર કિસ્સો ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.