વલસાડ : જેઓ વર્ષો પહેલા ગુજરાતમાં દૂધમાં સાકરની જેમ ભળી ગયા હતા એ પારસી સમુદાય માટેના નૂતન વર્ષનો તહેવાર એટલે પતેતી. તેને નવરોઝ પણ કહેવાય છે. બુધવારે પતેતીની ઉજવણી માટે ગુજરાતના વલસાડમાં આવેલા ઉદવાડામાં ખૂબ ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો. પારસીઓના પવિત્ર ધર્મસ્થાન એવા ઉદવાડા ગામ ખાતે આવેલી અગિયારીમાં પારસી રીતરિવાજથી પૂજન કરવા માટે અનેક પારસી પરિવારો પહોંચ્યા હતાં.
પતેતી પર્વને લઇને ઉદવાડામાં પતેતીના તહેવાર નિમિત્તે ઈરાન શાહ ખાતે સમગ્ર વિશ્વમાં વસતા મનુષ્ય લોકોના દીર્ઘાયુ અને સ્વાસ્થ્ય માટે મંગલ કામના કરી હતી. પારસી કોમના તમામ લોકો ભારત દેશ માટે પોતાનું ઉમદા યોગદાન આપી વિશ્વ ફલક ઉપર કોમનું નામ રોશન થાય અને ભારત દેશનું નામ રોશન થાય તે માટે પ્રગતિ કરે તેવા આશીર્વાદ છે...ખુરસેદજી કેકોબાદ(વડા દસ્તૂરજી)
ઈરાનથી લવાયેલ પવિત્ર અગ્નિ ઉદવાડામાં સ્થાપિત છે : પારસી સમુદાયના લોકો ઈરાનથી તેમની સાથે તેમના પવિત્ર અગ્નિને સાથે લઈને આવ્યા હતાં. સમય જતા આ અગ્નિને વલસાડ જિલ્લાના ઉદવાડા ખાતે ફાયર ટેમ્પલમાં સ્થાપિત કરવામાં આવ્યો છે. જેને તેઓ આતશ બહેરામ તરીકે ઓળખાવે છે. આજે તેમના પવિત્ર તહેવાર નિમિત્તે વહેલી સવારથી જ અગિયારીમાં મોટી સંખ્યામાં પારસી સમાજના લોકોએ તેમના પવિત્ર અગ્નિ સમક્ષ સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી.
પ્રકૃતિને ધન્યવાદ કરતો દિવસ એટલે નવરોઝ : પારસી સમુદાયની માન્યતા મુજબ નવરોઝ તહેવાર પારસી રાજા જમસેદના નામ ઉપરથી રાખવામાં આવ્યો છે પારસી રાજા જમસેદ દ્વારા એક શહેનશાહી કેલેન્ડર તૈયાર કરવામાં આવ્યું હતું. કહેવાય છે કે રાજા જમસેદે દુનિયાને તબાહ થતા બચાવી હતી. એમની તાજપોશીનો ઉત્સવ ઉજવાયો ત્યાર બાદ નવરોઝ તહેવારરૂપે ઉજવણી કરવામાં આવે છે.
પારસી સમુદાયના તેજસ્વી મહાનુભાવો : પારસી સમુદાયમાં અનેક વિરલા પાક્યાં છે જેઓ ભારતનું નામ વિશ્વફલક સુધી લઈ જવામાં સફળ થયા છે. જેમાં દાદાભાઈ નવરોજી, ફિરોઝશાહ મેહતા, મીઠુબેન પટીટ, વીર નરીમાન, માદામ ભીખાઈજી કામા, જમશેદજી તાતા, જમશેદજ જીજીભાઈ, લવજી નસરવાનજી વાડિયા, રતન તાતા, ગોદરેજ, ડૉ. હોમી ભાભા, ડૉ હોમી શેઠ, નાની પાલખીવાલા, સોલી સોરાબજી, સોલી કાપડિયા વગેરે જેવા અનેક વીરલાઓ આ કોમમાંથી પાક્યા છે જેમણે વિવિધ ક્ષેત્રમાં મોટું યોગદાન આપ્યું છે.
દસ્તૂરજીએ યુનિફોર્મ સિવિલ કોડ વિશે શું કહ્યું : પારસી સમુદાયના વડા દસ્તુરજીએ આજે તેમના નવા વર્ષ નિમિત્તે યુનિફોર્મ સિવિલ કોડ અંગે મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે જો ભારત સરકાર યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરે તો પારસી સમાજ તેને હર્ષભેર આવકારશે. યુસીસી લાગુ કરવામાં આવે તો પારસી સમાજના કેટલાક રિવાજોને તેની અસર થઈ શકે છે. પરંતુ સરકારના કાયદાને માન આપી પારસી સમાજ આંતરિક સમસ્યાઓનું સમાધાન કરીને યુસીસીને આવકારશે.
ચંદન અને સુખડ અર્પણ : ઉદવાડા સ્થિત પવિત્રધામ એવા ઈરાન શાહ ખાતે નવરોઝના દિને બહારગામથી પણ મોટી સંખ્યામાં પારસી બિરાદરો પ્રાર્થના કરવા માટે પહોંચ્યા હતાં. પારસીઓએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવા સાથે ઈરાન શાહ ખાતે ચંદન અને સુખડ અર્પણ કરી સમૃદ્ધિની પ્રાર્થનાઓ પણ કરી હતી.