- ઉદવાડા ગામના દરિયા કાંઠે આવી રહ્યું છે ઓઇલ જેવું ડાર્ટ કેમિકલ
- શરીરમાં ચોંટી જાય તો સાબુ વડે પણ ધોઈને દૂર કરવું બને છે મુશ્કેલ
- કિનારે આવતા મોજા સાથે આવી રહ્યા છે ઓઇલ જેવા કાળા ગઠ્ઠા
વલસાડઃ જિલ્લાના 40 કિમિ લાંબા દરિયા કિનારે રહેતા લોકોમાંથી મોટા ભાગના લોકો માછીમારીનો વ્યવસાય કરતા હોય છે પરંતુ પારડી તાલુકાના ઉમરસાડી કોલક ઉદવાડા ગામ જેવા વિસ્તારના દરિયા કાંઠે છેલ્લા એક આઠવાડિયાથી દરિયામાં ઓઇલ જેવા કાળા રંગનું કેમિકલ દરિયા કિનારે તણાઈને આવી રહ્યું છે. જેના કારણે દરિયા કિનારાના વિસ્તારમાં ઓઇલના ગઠ્ઠા જેવા પદાર્થ તણાઈ આવી રહ્યો છે. દરિયા કિનારે રેતીમાં ચાલીને જતા અનેક લોકોને પગે ચોંટી જતા તેને સાબુ વડે પણ કાઢવું મુશ્કેલ બની રહ્યું છે. દરિયામાં કેમિકલ તણાઈ આવતા માછીમારીના વ્યવસાયને પણ અસર પડી શકે છે. જેને લઈ માછીમારોમાં ચિંતા ફેલાય છે.
માછીમારીના વ્યવસાયમાં પણ પહોંચી શકે છે અસર
ચોમાસુ (Valsad Monsoon) શરૂ થતાની સાથે જ દર વર્ષની જેમ આ વર્ષે પણ દરિયાકિનારે ઓઇલ જેવા પદાર્થ ગઠ્ઠા દરિયાના મોજા સાથે તણાઈને દરિયા કિનારા તરફ આવી રહ્યા છે. જેને લઇને દરિયા કિનારાની રેતી પણ કાળા રંગની થઈ ગઈ છે. મોટાભાગે માછીમારો ચોમાસા દરમિયાન માછીમારી ખૂબ ઓછી કરતા હોય છે. પરંતુ કિનારા વિસ્તારમાં માછીમારી કરવા માટે તેઓ આજીવિકા માટે જતા હોય છે. પરંતુ ઓઇલ જેવા આ પદાર્થો દરિયાના પાણીમાં ભળીને કિનારે આવતા તેની સીધી અસર તેમના માછીમારીના વ્યવસાય ઉપર પણ પડી રહી છે. એટલે કે, દરિયાના પાણીમાં આ કેમિકલ જોવા મળતા માછલી પણ તેમની જાળમાં ખૂબ ઓછા પ્રમાણમાં આવી રહી છે. જેની સીધી અસર તેમની આજીવિકા ઉપર પડી રહી છે જેને લઇને માછીમારોમાં ચિંતા જોવા મળી રહી છે.
દર વર્ષે ચોમાસા દરમિયાન કેમિકલ કિનારે તણાઈ આવતા બન્યો તપાસનો વિષય
ચોમાસુ શરૂ થતાની સાથે જ દરિયા કિનારે કાળા રંગના પ્રવાહી જેવા અને ઓઇલ જેવા ગઠ્ઠા દરિયાકિનારે તણાઈ આવતા હોય છે અને દર ચોમાસાએ તેનું પુનરાવર્તન થાય છે, પરંતુ આજદિન સુધી નાતો GPCB કે ના તો વહીવટીતંત્ર દ્વારા કોઈપણ પ્રકારની તપાસ કરવામાં આવી છે. આ પ્રકારના કેમિકલ જેવો પદાર્થ દરિયામાં કેવી રીતે પહોંચે છે? અને ક્યાંથી આવે છે? આ સમગ્ર બાબતે હજુ સુધી કોઈ ચોક્કસ કારણ મળી શક્યું નથી. પરંતુ તેની સીધી અસર માછીમારોને પડી રહી છે.
માછીમારોના બાળકોના શરીરમાં ચોંટેલુ કેમિકલ ખોરાકમાં જાય તેવો ભય
સામાન્ય રીતે દરિયા કિનારે રહેતા તમામ લોકો નાના બાળકો પણ દરિયાકિનારે રમતા હોય છે. કિનારે તણાઇ આવેલું અને રેતીમાં પડેલું આ કેમિકલ તેમના હાથ-પગ કે મોં ઉપર ચોંટી શકે તેમ છે અને તે જ ભોજન સાથે મળી પેટમાં પણ પહોંચી શકે છે. જો આ કેમિકલથી તેમના બાળકોને સીધી અસર થાય તેવી પણ દહેશત વર્તાઈ રહી છે, ત્યારે માછીમારોમાં આ સમગ્ર કેમિકલને લઈ ચિંતાનું વાતાવરણ જોવા મળ્યુ છે. આમ છતાં હજુ સુધી GPCB કે વહીવટી તંત્ર દ્વારા આ પ્રકારનું કેમિકલ ક્યાંથી ? અને કેવી રીતે આવે છે? તે અંગે કોઈ પ્રકારની તપાસ કરવામાં આવી નથી.
કેમિકલ અંગે તપાસની માંગ ઉઠી
આ સમગ્ર બાબતે સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી કહી છે કે, ઉમરસાડી માછીવાડ વિસ્તારમાં દરિયા કિનારે તણાઈ આવેલું આ કેમિકલ ક્યાં અને કેવી રીતે દરિયામાં આવે છે અને કયા પ્રકારનું કેમિકલ છે તે અંગે તપાસ કરવામાં આવે અને દરિયામાંથી નીકળતું કેમિકલ બંધ થાય તે બાબતે કોઈ નક્કર પગલાં વહીવટીતંત્ર દ્વારા યોગ્ય લઈ સમસ્યાનું કોઈ નિવારણ લેવામાં આવે.
આ પણ વાંચોઃ ઉમરગામના દરિયા કિનારે પ્રદૂષિત ઓઇલ વેસ્ટની કાળી ચાદર પથરાઈ
વલસાડ જિલ્લાના ઉમરગામ-નારગોલ દરિયા કિનારે ગત 16 વર્ષથી ચોમાસાની ઋતુમાં કિનારે આવતું ભેદી ઓઇલ વેસ્ટ (ટારબોલ)નું પગેરૂ મેળવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. એવામાં ફરી આ દરિયાકાંઠે પ્રદૂષિત ઓઇલની કાળી ચાદર પથરાતાં માછીમારોમાં દરિયાઈ જીવસૃષ્ટિના નિકંદનની દહેશત પ્રસરી છે.