વાપી: કોરોના સંક્રમણને અટકાવવા શાકભાજીમાં થતી ભીડ પર અંકુશ આવે તેવા શુભ ઉદ્દેશ્યથી વાપી નગરપાલિકાએ કુમાર શાળા મેદાન સહિત ચાર જગ્યાએ હંગામી શાક માર્કેટ ઉભી કરી હતી, પરંતુ શાકભાજીના વેપારીઓની બેદરકારી અને ટાંટિયાખેંચ નીતિને કારણે રવિવારે શાક માર્કેટમાં ભારે ભીડ ઉમટી હતી. જે બાદ લોકો અને વેપારીઓ નહીં સમજ્યા એટલે પાલિકાએ હંગામી શાકમાર્કેટ બંધ કરી દીધી છે. હવે શાક માર્કેટના વેપારીઓ પોતાનું સર્વસ્વ લૂંટાઈ ગયું હોય તેમ મામલતદારને અને પાલિકાને આવેદન પત્ર આપી રજૂઆત કરી રહ્યાં છે.
વાપીમાં વેપારીઓના ત્રાસથી પાલિકાએ હંગામી શાક માર્કેટ બંધ કરી વાપી ટાઉનમાં આવેલ શાકભાજી માર્કેટમાં થઈ રહેલી ભીડને અંકુશમાં લેવા માટે અને સુરક્ષાની દ્રષ્ટિએ નગરપાલિકા દ્વારા આ હંગામી શાકમાર્કેટને બંધ કરી દેવામાં આવી છે. હવેથી લારીવાળા શાકભાજીના વેપારી જ શહેરમાં ઘરે ઘરે ફરીને પોતાની શાકભાજી વેચી શકશે, તેવું ફરમાન જાહેર કર્યું હતું. જેનાથી હોલસેલ વેપારીઓ અને શાકભાજીની દુકાનવાળા વેપારીઓને અનેક મુશ્કેલીઓ ઊભી થશે તેવી દહેશત સાથે શાકભાજીના વેપારીઓએ નગરપાલિકામાં અને મામલતદાર કચેરી સમક્ષ પોતાની રજૂઆત કરી હતી. શાકભાજીના વેપારીઓએ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે, દેશમાં જીવનજરૂરી ચીજવસ્તુઓ વેચવાનો સરકારે આદેશ આપ્યો છે. વાપીના નાજાબાઈ રોડ ઉપર 40 વર્ષથી શાકભાજી માર્કેટ છે. તમામ વેપારીઓ વહીવટી તંત્રના નિર્ધારિત સમય મુજબ શાકભાજી વેચી શકતા હતા, પરંતુ હાલમાં નગરપાલિકાએ તેમને બંધ કરાવી દીધી છે. જેથી વેપારીઓ માટે અનેક મુશ્કેલીઓ ઊભી થઇ છે. શાકભાજીની દુકાનવાળા પોતાની દુકાનમાં જ શાકભાજી વેચી શકે છે. જેને બંધ કરી દેવામાં આવી છે. આ લોકોને શાકભાજી માર્કેટમાં શાકભાજીની દુકાન ખોલવા માટેની અનુમતિ મળે તેવી માંગ મામલતદાર અને નગરપાલિકા સમક્ષ શાકભાજીના વેપારીઓએ કરી હતી.
આ તરફ વાપી ટાઉનમાં ભીડના ધસારાને કારણે શાકભાજી માર્કેટ ને બંધ કરી દેવામાં આવી છે, ત્યારે વાપી હાઈવે પર આવેલ વાઇબ્રન્ટ પાર્કમાં બે દિવસથી ભારે ભીડ જોવા મળી રહી છે. સવારથી સાંજ સુધી અહીં મોટી સંખ્યામાં ગ્રાહકો શાકભાજી ખરીદવા ઉમટી રહ્યાંં છે. વાપી ટાઉનની હંગામી શાક માર્કેટ બંધ કરી દેતા તેમની અસર હાઇવે પરની આ શાકભાજી માર્કેટમાં જોવા મળી રહી છે.