વલસાડ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ પૈકીનો એક પ્રોજેક્ટ એટલે અમદાવાદ મુંબઈ હાઈ સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ. જે શરૂ થતા જ અમદાવાદ અને મુંબઈ વચ્ચેનું અંતર માત્ર બે કલાકમાં પૂર્ણ થઈ જશે અને જે માટે હાલમાં દરેક જગ્યા ઉપર કામગીરી ખૂબ ઝડપી ચાલી રહી છે. બુલેટ ટ્રેન અનેક નદીઓ ઉપરથી પણ નીકળશે અને દરેક નદી ઉપર બ્રિજ બનાવવાની કામગીરી કરવામાં આવનાર છે. જે પૈકી જાન્યુઆરી માસમાં જ વલસાડ જિલ્લાના પારડી ખાતે આવેલી પાર નદી ઉપર 320 મીટર લાંબો બ્રિજ બનીને તૈયાર થઈ ચૂક્યો છે.
8 સ્પાન ગડર બ્રિજમાં બનાવવામાં આવ્યા: પારડી નજીક આવેલી પાર નદી ઉપર બનેલા બુલેટ ટ્રેનના આ બ્રિજમાં આઠ સ્પાન ગડર મૂકવામાં આવી છે. દરેક ગડરની લંબાઈ 40 મીટર અને તેના થાંભલાની ઊંચાઈ 14.9 થી 20.9 મીટર સુધીની છે. વલસાડ જિલ્લામાં ચાલતા કામ પૈકીના સૌથી પહેલો આ બ્રિજ બનીને તૈયાર થઈ ચૂક્યો છે. જે હાલ લોકો માટે નવું નજરાનું છે પરંતુ આ બ્રિજ ઉપરથી બુલેટ ટ્રેન 320 કિલોમીટરની કલાકની ઝડપે પસાર થશે.
કુલ 24 જેટલા બ્રિજ બનાવવાની કવાયત: મુંબઈ અમદાવાદ વચ્ચે આવતી 24 જેટલી નદીઓ ઉપર બ્રિજ બનાવવાની કામગીરી કરવામાં આવશે. જે પૈકી અનેક જગ્યા ઉપર કામગીરી ચાલી રહી છે. કેટલીક જગ્યા ઉપર આ કામગીરી પૂર્ણતાને આરે છે. ભરૂચમાં આવેલી નર્મદા નદી ઉપર 1.2 કિલોમીટર લાંબો પુલ ગુજરાતનો સૌથી લાંબો બ્રિજ બનાવવામાં આવશે.
કુલ 12 જેટલા સ્ટેશન આવશે: અમદાવાદથી મુંબઈ સુધીનો રોડને માત્ર બે કલાકમાં પૂર્ણ કરી મુસાફરોને અમદાવાદથી મુંબઈ માત્ર બે કલાકમાં પહોંચાડનારી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી તળા માર ચાલી રહી છે. જેમાં ગુજરાત મહારાષ્ટ્ર અને દાદરા નગર હવેલી આમ ત્રણ વિસ્તારનો સમાવેશ થાય છે. આ ત્રણેય વિસ્તારમાંથી પસાર થતી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની લાઈન ઉપર કુલ 12 જેટલા સ્ટેશનો આવનાર છે.
'ગુજરાતનો પહેલો બ્રિજ પારડી ખાતે જાન્યુઆરીમાં બનીને તૈયાર થઈ ગયો હતો. હાલમાં દમણ ગંગા બ્રિજ ઉપર કામગીરી ચાલી રહી છે. સાથે જ બ્રિજની લંબાઈ 360 મીટરની છે. તેમજ તેની કામગીરી પણ જોરશોરથી ચાલી રહી છે.' -પૂજા સિંગ, PRO, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ
કામગીરી પુરજોશમાં: અમદાવાદ મુંબઈ હાઈ સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી સમગ્ર ગુજરાત મહારાષ્ટ્ર અને દાદરા નગર હવેલીના વિવિધ વિસ્તારોમાં ચાલી રહી છે. આ કામગીરી 2026 સુધીમાં પૂર્ણ થઇ જશે તેવું અનુમાન છે. કામગીરી પૂર્ણ થયા બાદ લીલીઝંડી આપવામાં આવશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની લાઈન ગુજરાતમાં 348.04 કિલોમીટર જ્યારે દાદરા અને નગર હવેલીમાં 4.5 કિલોમીટર વિસ્તારમાંથી પસાર થનાર છે. ગુજરાતના અનેક સ્થળો ખાસ કરીને વલસાડ જિલ્લા અને ઉમરગામ વિસ્તારમાં તેની કામગીરી 75 ટકાની પૂર્ણતાને આરે છે.
આ પણ વાંચો Bullet Train Project: નવસારીના ખેડૂતો બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીન આપીને થયા સમૃદ્ધ