વલસાડઃ આગામી તારીખ 19 જૂનના રોજ આવી રહેલી રાજ્યસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષોએ હાલ રાજકારણ ગરમાઈ રહ્યું છે. જો કે, કોંગ્રેસ પક્ષમાંથી 7 ધારાસભ્યોએ આપેલા રાજીનામા બાદ કોંગ્રેસ પક્ષ પોતાના અન્ય ધારાસભ્યોને બચાવવા માટે રિસોર્ટ અને ફાર્મ હાઉસનું રાજકારણ રમાઈ રહ્યું છે. જેને લઇને સોમવારે દક્ષિણ ગુજરાતના 5 ધારાસભ્યોને વલસાડ ખાતે આવેલા એક ખાનગી રિસોર્ટમાં ખસેડવામાં આવ્યા હતા.
મંગળવારે આ તમામ ધારાસભ્યો સાથે પારડી ખાતે આવેલા એક કોંગ્રેસ અગ્રણીના ફાર્મ હાઉસ પર એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડૉક્ટર તુષાર ચૌધરીએ જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમના ધારાસભ્યોને અલગ અલગ રીતે ફોન કરી ઓફર કરવામાં આવી રહી છે, અને તેમને માનસિક રીતે ગુંચવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું કે, ભાજપ દ્વારા તેમને ખુલ્લી ઓફર કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતના 5 ધારાસભ્યોને મંગળવારે મોડી સાંજે એક ખાનગી ફાર્મ હાઉસમાં વલસાડ ખાતે લાવવામાં આવ્યા હતા. જેમાં ડૉક્ટર તુષાર ચૌધરી ધારાસભ્ય, પુનાજી ગામીત, ધારાસભ્ય અનંત પટેલ, માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરી, દાહોદના ચંદ્રિકાબેન બારિયા અને રાજપીપળાના ધારાસભ્ય પી. ડી. વસાવા આ તમામને વલસાડ ખાતે લાવવામાં આવ્યા હતા. જો કે, મંગળવારે આ તમામે પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી રાજ્યસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસના ધારાસભ્યોને સમયાંતરે ફોન કરીને ભાજપમાં જોડાવાની ઓફર આપવામાં આવી રહી છે.
ડૉક્ટર તુષાર ચૌધરીએ જણાવ્યું કે, આદિવાસી પટ્ટાના ધારાસભ્યોને અલગ અલગ ફોન કરીને કહેવામાં આવે છે કે, અન્ય ધારાસભ્યો અમારી સાથે આવી ચૂક્યા છે, તમે પણ જોડાઈને વિકાસમાં સહભાગી બનો. માનસિક રીતે તેમનું મનોબળ તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીએ આપેલા રાજીનામા બાદ વલસાડના કોંગ્રેસ અગ્રણી ગૌરાંગભાઈ પંડ્યાએ જણાવ્યું કે, રાજીનામું આપ્યા બાદ કોઈને વાગોવવું યોગ્ય નથી. નાચવું ન હોય તેના માટે આંગણું વાંકુ જેવા શબ્દોનો પ્રયોગ પણ તેમણે કર્યો હતો.
ગૌરાંગભાઈ પંડ્યાએ જણાવ્યું કે, કપરાડા અને ડાંગના ધારાસભ્ય રાજીનામા આપી દીધા બાદ આ બંને બેઠક પર કોંગ્રેસી કાર્યકરોનો ઉત્સાહ વધારવા માટે દક્ષિણ ગુજરાતના તમામ ધારાસભ્યોને અહીં એકત્ર થયા છે, અને આગામી બે દિવસમાં ડાંગ અને કપરાડા તાલુકાના કાર્યકરોનો ઉત્સાહ વધારવા માટે આ વિસ્તારમાં એક વિઝિટનું આયોજન પણ કરવામાં આવશે. અહીં ઉપસ્થિત કોઈપણ ધારાસભ્ય સામે શંકા કરી શકાય એમ છે જ નહીં.
વાંસદાના ધારાસભ્ય અનંતભાઇ પટેલે જણાવ્યું કે, નવસારીના કેટલાક ભાજપ અગ્રણીઓ દ્વારા તેમને ભાજપ પક્ષમાં લેવા માટે ખુલ્લી ઓફર કરવામાં આવી રહી છે અને તે માટે તેમને કરોડો રૂપિયાની ઓફર થઇ હોવાનું પણ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. મોડી સાંજે અન્ય 5 ધારાસભ્યો પણ વલસાડ આવી પહોંચ્યા છે. જેમાં મોહનસિંહ રાઠવા, સુખરામ રાઠવા, વજેસિંગ પાંડા, સુનીલ ગામીત અને ભાવેશ કટારાનો સમાવેશ થાય છે.
એક તરફ કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામા આપી રહ્યા છે, ત્યારે અન્ય ધારાસભ્યો પણ ભાજપમાં જોડાઈ જાય એવા ડરને કારણે કોંગ્રેસ પક્ષ દ્વારા તેમના તમામ ધારાસભ્યોને બચાવવા માટે હાલ રિસોર્ટની રાજનીતિ રમવામાં આવી રહી છે. વલસાડ કોંગ્રેસ ભલે ડાંગ અને કપરાડાની વિઝિટની વાત કરતી હોય કે, કાર્યકરોનો ઉત્સાહ વધારવાની વાત કરતી હોય, પરંતુ એક વાત અહીં સ્પષ્ટ છે. તે કોંગ્રેસી ધારાસભ્યોને મળી રહેલી ઓફર્સ અને પડી રહેલા રાજીનામાને પગલે કોંગ્રેસને પણ ક્યાંકને ક્યાંક એવો ડર સતાવી રહ્યો છે કે, બચેલા ધારાસભ્યોમાંથી પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે.