- કોરોનાના કારણે ટ્રેડિશનલ ડ્રેસ ભાડે આપનાર વેપારીઓને નુકસાન
- આ વર્ષે કોરોના મહામારીના કારણે નવરાત્રિ રદ્દ
- ગરબા ન રમવા માટે એક જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
વલસાડ: મા શક્તિનું આરાધના પર્વ એટલે કે નવલી નવરાત્રિ આ વખતે કોરોનાના કારણે રદ્દ કરવામાં આવી છે. ગુજરાત સરકારે આ વખતે સંક્રમણ ન ફેલાય એવા હેતુથી ગરબા ન રમવા માટે એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જેમાં કેટલાક નીતિ નિયમો રાખવામાં આવ્યા છે, જેના કારણે ગરબાનું આયોજન કરનારા મોટા આયોજકોએ સરકારના નિયમો માનીને તમામ ગરબાના આયોજનો કેન્સલ કરી દીધા છે. જેના કારણે ગરબાની સાથે જોડાયેલા અનેક વ્યવસાયોને સીધો ફટકો પડ્યો છે.
ગરબા કેન્સલ થતા વેપારીઓને સીધી અસર
ગરબામાં કચ્છી ભાત વાળી અવનવી રંગબેરંગી ડિઝાઇનો પહેરીને ગરબે ઘૂમતા ખેલૈયાઓ કેડિયું, ચણિયાચોળી કે અન્ય પ્રકારના અનેક કપડાં ગરબામાં ભાડેથી લાવતા હોય છે. જ્યાં દસ દિવસના આ કપડાઓના ભાડું અંદાજીત 35 હજાર રૂપિયાથી પણ વધુ થઈ જતું હોય છે અને એ તો માત્ર એક જ ખેલૈયાની વાત છે. આ વખતે સરકારના નિયમોને આધીન ગરબા કેન્સલ થઈ જતા વલસાડ શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી ખેલૈયાઓને ભાડે કપડાં આપનારા વેપારીને તેની સીધી અસર પડી છે.
ગરબા રદ્દ થતા વેપારીઓનું મંતવ્ય
વલસાડમાં મહિલા વેપારી નવરાત્રિના ગરબા ભાડે આપે છે. મહિલા વેપારીને આ વખતે રોજગારી ન મળતા પોતાની આંખો ભીની થતા રોકી શક્યા ન હતા. તેમણે આ અંગે કહ્યું કે, સરકારે સામાન્ય લોકોનો પણ વિચાર કરવો જોઈતો હતો જો એક તરફ ચૂંટણી માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન સોશિયલ ડિસ્ટન્સ સાથે કરવામાં આવી રહ્યું હોય તો ગરબા કેમ નહીં?
મહત્વનું છે કે, એક તરફ જ્યાં ગરબા રદ્દ થતા વેપારીઓને સીધી અસર પહોંચી છે ત્યાં ગરબાના આયોજન કેન્સલ થઈ જતા ખેલૈયાઓ પણ ખૂબ નારાજગી વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો : માટીના ગરબાનું વેચાણ ઘટતા વેપારીઓએ ભાવમાં પણ કર્યો ઘટાડો