1999માં મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર પર આવેલા કપરાડા તાલુકામાં પ્રવેશદ્વાર ઉપર RTO ચેકપોસ્ટ શરૂ કરવામાં આવી હતી. જોકે ગુજરાતના મુખ્યપ્રધાન દ્વારા ૧૬ જેટલી ચેકપોસ્ટ બંધ કરી દેવાની જાહેરાતને પગલે કપરાડામાં RTO કચેરી માટે 2017માં અંદાજીત રૂપિયા 4,91,72590 ના ખર્ચે નવું મકાન બનાવવામાં આવ્યું હતું. જોકે આ કચેરી બન્યા બાદ હજુ સુધી આ મકાનનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું નથી. તેવામાં જ સરકારે RTO ચેકપોસ્ટ બંધ કરી દેવાની જાહેરાત કરી છે. જેને પગલે કરોડો રૂપિયાના ખર્ચે કપરાડામાં બનેલું આ મકાન હવે કાયમ માટે બંધ રહેશે. તો ઉદ્ઘાટન વિના બનેલું આ મકાનમાં ખર્ચ કરવામાં આવેલા કરોડો રૂપિયા વ્યર્થનો ધુમાડો થયો હોવાનું જણાઈ રહ્યું છે.
નોંધનીય છે કે હાલમાં કપરાડામાં જે સ્થળ ઉપર RTO ચેકપોસ્ટ ચાલે છે, ત્યાં આગળ RTOનું કોઈ મકાન નથી માત્ર એક સામાન્ય છાપરું ફાડી અહીં આગળ RTO ચેકપોસ્ટ ચલાવવામાં આવી રહી છે. જેને ધ્યાને લઇ સરકાર દ્વારા 2017માં નવું મકાન બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને ચાર કરોડ 91 લાખના ખર્ચે તે આ મકાન બનીને તૈયાર પણ થઇ ચૂકયું છે. પરંતુ, તે ઉદ્ઘાટનની રાહ જોઈ રહ્યું હતું તેમ છતાં ઉદ્ઘાટન તો ન જ થયું પરંતુ, હવે આ મકાન ઉદ્ઘાટન વિના જ ખંડેર થઈ જશે કે કેમ તે તો હવે આગામી સમય જ બતાવશે.