વલસાડ: કોરોનાની બિમારી વૈશ્વિક સ્તરે ચાલી રહી છે. ત્યારે આવા સમયમાં નગરપાલિકાના સભ્યો પ્રમુખ સહિત તમામ લોકોએ લોકોને ઘરમાં રહેવા અને સુરક્ષિત રહેવા માટે સૂચનો આપવા જોઈએ. પરંતુ લોકોની સમક્ષ દાખલો બેસાડવાની વાત તો દૂર રહી, પારડી નગરપાલિકાના વોર્ડ નંબર 6ના સભ્ય સવારે નગરપાલિકા અને તેની આસપાસના વિસ્તારના કેટલાક ક્ષેત્રોમાં સેનિટાઇઝર કર્યા બાદ સાંજે 4 થી 5 ના ગાળામાં પારડી નજીક આવેલા પોણીયા સ્કૂલ ફળિયા તળાવની બાજુમાં આવેલી આંબાવાડીમાં દારૂની મહેફિલ કરતા હોવાની બાતમી પારડીના PSIને કોઈએ આપતા પોલીસે સ્થળ ઉપર છાપો મારતા સ્થળ ઉપરથી વિસ્કીની એક બોટલ તેની કિંમત રૂપિયા 125 મોબાઈલ નંગ પાંચ તેમજ અન્ય વસ્તુઓ મળી કુલ રૂ 2245નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે.
જ્યારે વોર્ડ નંબર 6 ના સભ્ય જીગ્નેશકુમાર ભરતભાઈ પટેલ તેમજ તેમની સાથે મહેફીલમાં મોજ કરવા માટે આવેલા મહેશ સોમા વારલી, વૈભવ કિકુ પટેલ, સમીર રાજુ પટેલ, બ્રિજેશ ગુલાબભાઈ પટેલ, સામે પોલીસે ધી એપેડીમિક ડીસીઝ એકટ તેમજ પ્રોહી. 65 ડી, 66(૧)બી,81,83(એ), આઈ પી સી 188,269,3 મુજબનો ગુન્હો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે, પારડી નગરપાલિકાના વોર્ડ નંબર 6ના કોર્પોરેટર પાર્ટી કરતા પકડાઈ જવાની માહિતીની ખબર વાયુવેગે પંથકમાં પડતા સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો હતો. તેમજ તેમને છોડાવવા માટે અનેક રાજકારણીઓ અને અગ્રણીઓના ફોન પણ પોલીસ મથકે રણક્યાં હતા.